લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાના મતદાનમાં આજે ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નેતાઓ પણ આજે પોતપોતાના મતવિસ્તારોમાં મત આપી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વીરમગામથી પોતાનો મત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ માર્ચ મહિનામાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયો હતો.
વીમરગામમાં વોટિંગ કર્યા પછી હાર્દિક પટેલે મીડિયાને કહ્યું, “ચોકીદાર શોધવો હોય તો હું નેપાળ જઈશ, મને દેશમાં પીએમ જોઇએ છે જે આ દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષણને, યુવાનોને, જવાનોને મજબૂત કરી શકે. મને ચોકીદાર નહીં, પ્રધાનમંત્રી જોઈએ છે.”
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેના ચૂંટણી લડવા પર સ્ટે લગાવી દીધો હતો. ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં પાટીદાર આંદોલનને કારણે થયેલા રમખાણના કેસમાં હાર્દિકને થયેલી સજાને અટકાવવાની તેની અરજીને ફગાવી દીધી હતી. તેના કારણે કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણીમાં ડેબ્યુ કરવાનું હાર્દિક પટેલનું સપનું પૂરું થયું નહીં.