‘સની દેઓલ પોતાનું ‘ઢાઈ કિલો’વાળું ભાષણ આપે’, BJPની પ્રેસ કોન્ફરન્સમાં સનીનું ફની ઇન્ટ્રોડક્શન
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન બોલિવુડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન અને રેલવેમંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં તેમણે પાર્ટી જોઈન કરી. આ દરમિયાન સનીએ કહ્યું કે હું જે પણ કરીશ, દિલથી કરીશ. બોલીશ ઓછું અને દર વખતે કામ કરીને બતાવીશ.
બીજેપીની પ્રેસ કોન્ફરન્સમાં સની દેઓલ બોલે તે પહેલા પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ કે જેમ સની બોલવામાં ઓછો વિશ્વાસ રાખે છે, કરવામાં વધારે વિશ્વાસ રાખે છે. મારો તે છતાંપણ આગ્રહ છે કે તેઓ પોતાનું ‘ઢાઈ કિલો’નું ભાષણ તમારી સામે આપે. આ સાંભળતાં જ સની દેઓલ અને હાજર તમામ મંત્રીઓ હસી પડ્યા.
ત્યારબાદ સનીએ કહ્યું, ‘જેમ તેમણે કહ્યું અને તમે સૌ જાણો છો, પરંતુ જે રીતે તમે લોકોએ મને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, તેનાથી મને હિંમત મળી છે. જે રીતે મારા પપ્પા અટલજી સાથે જોડાયા હતા, આજે હું અહીંયા મોદીજી સાથે જોડાવા આવ્યો છું. તેમણે દેશ માટે ઘણું કર્યું છે. હું ઇચ્છું છું કે આગામી પાંચ વર્ષો સુધી પણ મોદીજી જ વડાપ્રધાન રહે, કારણકે આપણે આગળ વધવા માંગીએ છીએ. જે રીતે તેઓ આપણને આગળ લાવ્યા છે, આપણે વધુ આગળ જવાનું છે. અમારા યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા લોકોની જરૂર છે. હું જે રીતે પણ આ પરિવાર સાથે જોડાઇને જે કંઇપણ કરી શકું તે જરૂરથી કરીશ. દિલથી કરીશ. હું વાતો નહીં કરું અને ના તો હું કંઇ બોલી શકું છું. પરંતુ દરેક વખતે કામ કરીને બતાવીશ.’
સની પહેલા રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ‘સની દેઓલને પાર્ટીમાં સામેલ કરીને ખુશી થઈ છે. તેમના પિતા ધર્મેન્દ્રજીએ દેશની બહુ સેવા કરી. દેશ માટે સની દેઓલ ખૂબ સંવેદનશીલ છે. ફિલ્મોમાં જેટલી મહેનત લાગે છે તેટલી જ રાજકારણમાં લાગે છે. અભિનયમાં જેટલો પરિશ્રમ લાગે છે તેટલી જ લગનની સાથે તેઓ દેશવાસીઓની સેવા કરશે તેવી આશા છે.’