ગુજરાતની ધરા ફરી ધણધણી, કચ્છ અને જામનગરમાં ભૂકંપના આંચકા
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. દરમિયાન મોડી રાતે ફરી એકવાર સૌરાષ્ટ્ર-કચ્છની ધરા ધ્રુજી હતી. જામનગર અને કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં 3.4 અને જામનગરમાં 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમજ કેન્દ્રબિન્દુ ખાવડાથી 18 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે જામનગરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિન્દુ લાલપુરથી 28 કિમી દૂર નોંધાયું હતું. ચોમાસામાં ફરીથી જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા આ આંચકા અનુભવાઈ રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. રાત્રિ દરમિયાન કચ્છમાં 4 અને જામનગરમાં ભૂકંપના 4 હળવા આંચકા આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના રાપરમાં રાત્રે 10.49 કલાકે પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેના બાદ સતત અલગ અલગ સમયે કચ્છમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે 1.45 કલાકે 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તે પછી 1.46 કલાકે 1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છના સરહદી વિસ્તાર ખાવડામાં સવારે 3. 22 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આમ સતત પાંચેક આંચકા આવતા કચ્છવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ ભયભીત બનેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને આખી રાત ઉજાગરો કર્યો હતો.
જામનગર પંથકમાં પણ મોડી રાતે ભૂંકપના ત્રણ આંચકા અનુભવાયાં હતા. જામનગરમાં 1.8, 1.6 અને 2.1 ની તીવ્રતાના ત્રણ હળવા આંચકા આવ્યાં હતા. ત્રણેય ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ લાલપુરથી અનુક્રમે 28, 25 અને 22 કિલોમીટર દૂર હતું. કાલાવડના બાંગા, બેરાજા અને સરાપાદર સહિતના ગામોમાં આંચકા અનુભવાયા હતા. છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં હળવા આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.