કોરોના મહામારી, રેલવેમાં મુસાફરી કરતા હજુ પણ ડરી રહ્યાં છે પ્રવાસીઓ
દિલ્હીઃ દેશમાં પહેલાની જેમ રેલ સેવાઓ આવતીકાલથી ફરીથી રાબેતા મુજબ થશે. જો કે, પ્રવાસીઓમાં હજુ કોરોનાનો ભય હોવાથી રેલમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. રેલવે મંત્રાલય દ્વારા બુકીંગ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ મોટાભાગની ટ્રેનમાં પુરતા પ્રમાણમાં બુકીંગ નહીં થયું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી હતી. માત્ર શ્રમિકો માટે ખાસ ટ્રેન દોડવવામાં આવી હતી. રેલવે મંત્રાલય દ્વારા આવતીકાલથી 40 ટ્રેન અને સ્પેશિયલ ટ્રેન દોડવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળ પહેલા દેશની લાઈફલાઈન માનવામાં આવતી ટ્રેન મુસાફરોથી ખીચોખીચ ભરેલી દોડતી હતી. પરંતુ કોરોનાને પગલે હજુ લોકો ભયભીત છે અને સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. જેની સીધી અસર ભારતીય રેલવે ઉપર પણ જોવા મળે છે. પૂર્વાચલ તરફ જતી ટ્રેનોમાં 90 ટકા સુધીની સીટ હજુ ખાલી છે.
રેલવે વિભાગ દ્વારા બુકીંગની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે વંદેભારત શનિવારથી અને નવી દિલ્હી-લખનૌ શતાબ્દી રવિવારથી દોડતી થશે. પહેલા લોકો મોટી સંખ્યામાં વંદેભારતમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા હતા પરંતુ હાલની સ્થિતિ અલગ જ જોવા મળી રહી છે. આ ટ્રેનમાં 95 ટકા સીટ ખાલી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ લખનૌ શતાબ્દીમાં પણ માત્ર 50 ટકા સીટ જ ભરાઈ છે. પ્રવાસીઓ કોરોના મહામારીને પગલે પ્રવાસ કરવાનું ટાળતા હોવાથી સ્પેશિયલ ટ્રેનમાં સરળતાથી ટિકીટ મળી રહી છે. જ્યારે કેટલીક ટ્રેનોના રિઝર્વેશનમાં વેટીંગ જોવા મળે છે. પરંતુ આ વેટીંગ લીસ્ટ પણ લાબું નથી.