1. Home
  2. revoinews
  3. ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370
ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

0
Social Share
  • આનંદ શુક્લ

અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય દર્શાવી રહ્યો છે કે હવે ભારતમાં હિંદુ ભાવનાઓને દબાવી શકાશે નહીં. વિચારધારાની રીતે પણ નહીં અને વૈશ્વિક દબાણોના સમીકરણો સમજાવીને પણ નહીં. ભારતમાં હિંદુઓને તેમના અધિકાર અને તેમની રાષ્ટ્રીય લાગણીઓને દબાવવા માટે મુસ્લિમવાદી સેક્યુલારિઝમનું એક ઘણું મોટું તૂત ભારતીય રાજનીતિ અને મીડિયા દ્વારા ચલાવવામાં આવ્યું છે. સારો હિંદુ અને ખરાબ હિંદુ-ની વ્યાખ્યાઓ સમજાવનારા મીડિયા ગુરુઓ ઘણાં મોટા પ્રમાણમાં હાલી છૂટયા છે. ભારતની વાત કરવામાં આવે, ભારતીયતાની વાત કરવામાં આવે, ભારતમાતા કી જય બોલવામાં આવે, વંદેમાતરમ કહેવામાં આવે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનવાદી આતંકવાદ અને ભાગલાવાદને નામંજૂર કરવામાં આવે, રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર દ્વારા સાંસ્કૃતિક પુનરોત્થાનનની લાગણી વ્યક્ત કરવામાં આવે, સમાન નાગરીક ધારાની વાત કરીને ભારતમાં કાયદાના રાજને સ્થાપિત કરવાની માગણી કરવામાં આવે અથવા ભારતની આસ્થાના એક કેન્દ્ર સમી ગાયની હત્યા રોકવાની લાગણી વ્યક્ત કરવામાં આવે. આવી તમામ બાબતોને મુસ્લિમછાપ સેક્યુલારિઝમ દ્વારા ઉતારી પાડવી, નામંજૂર કરવી અને પાકિસ્તાનવાદી ભાગલાવાદી માનસિકતાને આડકતરી કે સીધી રીતે પ્રોત્સાહીત કરવાનું કામ ભારતીય રાજનીતિના કેટલાક તત્વો અને મીડિયાના ચોક્કસ વર્ગો દ્વારા થતું રહ્યું છે.

સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આમા ભારતના હિંદુઓ પણ સામેલ છે, એનું ધ્યાન અર્થઘટનો કરનારા મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયયનોએ યાદ રાખવું જોઈએ. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસહીન કરવી અને લડાખ તથા જમ્મુ-કાશ્મીરને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવીને વિશેષ દરજ્જો સમાપ્ત કરવો – એ મોદી સરકાર દ્વારા સૌના વિશ્વાસ તરફ એક પગલું છે.

ટ્રિપલ તલાકની પ્રથાની સામે મુસ્લિમ મહિલાઓના માનવીય અધિકારોની સુરક્ષા માટે કાયદો ઘડવામાં મોદી સરકારને ઘણાં લાંબા સંઘર્ષ બાદ સફળતા મળી હતી. પરંતુ સંસદની ચર્ચા સાંભળ્યા બાદ લાગે કે ભારતના લોકોની ભલાઈ કરતા વોટબેંકના પોલિટિક્સને પ્રાધાન્ય આપનારા રાજકીય તત્વો ભારતમાં સ્ટેટ વિધિન સ્ટેટની સાત દાયકાથી વધુ લાંબા સમયથી ચાલતી સ્થિતિને પોતાના રાજકીય સ્વાર્થો માટે મજહબનો સહારો લઈને છાવરવા માગે છે.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરવાના ભારત સરકારના નિર્ણયને પણ ભારતની રાષ્ટ્રવાદી ભાવનાઓનો અનાદર કરનારા રાજકારણીઓએ મુસ્લિમ વોટબેંકની રાજનીતિને જીવતી રાખવા માટે પાકિસ્તાનને મદદકર્તા સાબિત થાય તેવા તર્કો કર્યા હતા. જમ્મુ-કાશ્મીરની સુરક્ષા બંદોબસ્તની સ્થિતિને કોંગ્રેસના લોકસભા સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી એ પણ ભૂલી ગયા કે ભારતનું સત્તાવાર સ્ટેન્ડ આને આંતરીક મામલો ગણાવે છે. જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ હિટલરના નાઝી કેમ્પ સાથે સરખામણી કરીને પોતાના રાજકારણ માટે ભારત જ્યારે એક મોટો નિર્ણય કરીને સંઘર્ષ કરી રહ્યું હોય, ત્યારે પાકિસ્તાનને મદદગાર સાબિત થાય તેવી ટીપ્પણીઓ કરી હતી.

કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે એમ કહ્યુ હતુ કે કોઈપણ આકરા રાષ્ટ્રવાદે દુનિયામાં ક્યાં પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે? પણ એ પણ યાદ રાખવું જોઈએ કે કથિત ઉદારવાદ અને સેક્યુલારિઝમે દુનિયામાં કોઈપણ ઠેકાણે કોઈપણ પ્રશ્નને ઉકેલ્યો હોય, તો જણાવે. કથિત ઉદારવાદ અને સેક્યુલારિઝમે સમસ્યાઓના સમાધાન કરતા તેને વધારે ગુંચવવાનું કામ જ કર્યું છે. ભારતના ઘણાં પ્રશ્નોમાં નો જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન પણ આવો જ છે.

જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ન જવાહરલાલ નહેરુને કારણે વણઉકલ્ય રહ્યો હોવાનો એક તર્ક દક્ષિણપંથી વિચારધારાના વાહકો દ્વારા સતત મુકાતો રહ્યો છે. સરદાર પટેલને કારણે આટલું જમ્મુ-કાશ્મીર બચ્યું હોવાનો પણ તર્ક અને હકીકત છે. પરંતુ હવે છેલ્લે-છેલ્લે ચર્ચાઓમાં કલમ-370નું કારણ પણ સરદાર પટેલને ઠેરવવાની કોશિશો કરવામાં આવી. ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરની દો વિધાન-દો પ્રધાન-ની વ્યવસ્થા સામે બંડ પોકારીને પોતાનું બલિદાન આપ્યું હતુ. પરંતુ છેલ્લા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કલમ-370ના કારણે નહેરુનું પ્રધાનમંડળ નહીં છોડયું હોવાના તર્કો કેટલાક રેફરન્સોને ટાંકીને આપતા રહ્યા છે. પરંતુ તે વખતે તેઓ ભૂલી જાય છે કે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું નિધન રહસ્યમયી સંજોગોમાં તેમના જેલવાસ દરમિયાન થયું હતું અને તેની તપાસ પણ કરાવવામાં આવી ન હતી.

એટલે કે એક કોશિશ રહેલી છે કે રાષ્ટ્રવાદના નાયકોની શાખને ઘટાડવા માટે સતત હવાતિયાં મારવાનું કામ મુસ્લિમ વોટબેંકની રાજનીતિથી સંચાલિત લોકો અને મીડિયામાં આવા રાજકીય તત્વોના ફોલ્ડરિયાઓ દ્વારા સતત કરવામાં આવ્યું. આવા રાજકીય તત્વોના ફોલ્ડરોને વખતોવખત મોટા ગણાતા આંતરરાષ્ટ્રીય સમ્માનોથી નવાજવામાં પણ આવે છે. ભારતનો કોઈ પત્રકાર રાષ્ટ્રવાદી વિચારોને લઈને, મુદ્દાઓને લઈને વાત કરે તો આવા રાજકીય તત્વોના ફોલ્ડરિયા પત્રકારો તેમને ગોદી મીડિયા-મોદી મીડિયા કહીને ઉતારી પાડતા- આરએસએસના એજન્ડ કહીને હાંસિયામાં ધકેલવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા છે. પોતાના તર્કો માટે સહિષ્ણુતાની વાતો કરનારા આવા ફોલ્ડરિયાં પત્રકારો અન્ય રાષ્ટ્રવાદી તર્કો સામે સતત અસહિષ્ણુ હોય છે.

અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ દ્વારા જમ્મુ-કાશ્મીરની મહિલાઓ, અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિના લોકો, 1947થી આવેલા નિરાશ્રિતો, જમ્મુ-કાશ્મીરની હિંદુ, શીખ-બૌદ્ધ જેવી ધાર્મિક લઘુમતીઓને સતત સાત દાયકા સુધી અન્યાય કરાતો રહ્યો અને ભારતીય બંધારણ, દલિતો-આદિવાસીઓ, મહિલાઓ લઘુમતીઓની વાતો કરનારા ભારતીય રાજનીતિમાં મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનોને સાત દાયકા સુધી જમ્મુ-કાશ્મીરમાં આવી ઘટનાઓ દેખાઈ નહીં અથવા તેમણે તેને જોઈ જ નહીં. આવા રાજકીય તત્વોના ફોલ્ડરિયા તત્વોએ પણ જમ્મુ-કાશ્મીરમાં બંધારણની જોગવાઈના નામે ઉભી કરાયેલી વ્યવસ્થાના નામે લોકોને થઈ રહેલા અન્યાયને પોતાના મુસ્લિમ વોટબેંકના પોલિટિક્સના કારણે ચુપચાપ ચાલવા દીધો અને પોતાના રાજકીય રોટલા શેકવાનું ચાલું રાખ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 અસરહીન કરાયા બાદ હિંસા અને આતંકવાદના વધવાની દલીલો ન્યૂયોર્ક ટાઈમ્સથી માંડીને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી અને ભારતના કથિત ઉદારવાદી તથા સેક્યુલરવાદી મીડિયા જૂથોના ન્યૂઝ સ્ટૂડ઼િયોમાં અપાઈ રહ્યા છે. પરંતુ હકીકત તો એ છે કે ત્રણ દાયકાથી ચાલતા પાકિસ્તાનવાદી ભાગલાવાદ અને આતંકવાદે જમ્મુ-કાશ્મીરમાંથી વિસ્થાપિત કરેલા સાત લાખ જેટલા લોકોમાંથી પાંચ લાખ કાશ્મીરી હિંદુ પંડિતોને ન્યાય અપાવ્યો નથી. લગભગ 50 હજાર જેટલા નિર્દોષ લોકોનો પાકિસ્તાનવાદી આતંકવાદીઓ દ્વારા ત્રણ દાયકામાં ભોગ લેવાઈ ચુક્યો છે. સુરક્ષાદળોએ પણ ખૂબ મોટા-મોટા બલિદાનો આપ્યા છે. આતંકવાદીઓને પણ મોટા પ્રમાણમાં જન્નતમાં તેમની 72 હૂરોની ખેવના પુરી કરવા માટે મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનવાદી આતંકવાદ અને ભાગલાવાદને જમ્મુ-કાશ્મીરની વ્યવસ્થાને કારણે મળતું સંરક્ષણ બંધ થતા સોફ્ટ ટેરરિઝમનો એજન્ડા ચલાવનારા પીડીપી અને નેશનલ કોન્ફરન્સ તથા કેટલાક હદે કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓની રાજકીય દુકાનો ચાલતી હતી. પરંતુ અનુચ્છેદ-370ના હટયા બાદ આવા લોકોની દુકાનોને કાયમ માટે તાળા વાગી ચુક્યા છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાંથી વડાપ્રધાન ઈમરાન ખાન ભારતમાં પુલવામા જેવા વધારે હુમલા થવાની ધમકીઓ આપી રહ્યો છે,  પણ બાલાકોટ એરસ્ટ્રાઈક અને ઉરી પછીની સર્જિકલ સ્ટ્રાઈક ભૂલી જનાર ભૂતપૂર્વ ક્રિકેટરે ભારત સાથેના તણાવને ક્રિકેટ મેચની જેમ લેવી જોઈએ નહીં. ઈમરાન ખાન નિયાજીએ 1971માં બાંગ્લાદેશ વોર વખતે સરન્ડર કરનારા લેફ્ટિનેન્ટ જનરલ નિયાજીને પણ યાદ રાખવો જોઈએ.

ભારત સરકાર દ્વારા અનુચ્છેદ-370ને અસરહીન કરવાનો નિર્ણય ઈમરાનખાનની હાજરીમાં જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જમ્મુ-કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની વાત પીએમ મોદીએ કહી હોવાનું જૂઠ્ઠાણું ચલાવાયા અને તેના થોડાક દિવસમાં ફરીથી અલગ રીતે મધ્યસ્થી બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી તેવા ઘટનાક્રમ વચ્ચે લેવામાં આવ્યો છે. આ નિર્ણય વૈશ્વિક મહાસત્તાઓને પણ ભારતની સાર્વભૌમતા અને એકતા-અખંડિતતાના મામલામાં દબાણની રાજનીતિથી દૂર રહેવાના સ્પષ્ટ સંદેશ છે. જો કે અનુચ્છેદ-370ને અસરહીન કરવાની યોજનાની તૈયારી ઘણાં લાંબા સમયથી ચાલતી હોવાની શક્યતા છે.

ભારતીય મુસ્લિમોને સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિમાં વોટબેંક બનાવીને રાખનારા રાજકારણીઓને લાગતું હતું કે અનુચ્છેદ-370ને હટાવવાની માત્ર વાતો થઈ રહી છે, તે હકીકત બનશે નહીં. પરંતુ વોટબેંકનું પોલિટિક્સ કરનારા મુસ્લિમછાપ સેક્યુલારિઝમના ચેમ્પિયનો અને ખુદ ભારતમાં પાન-ઈસ્લામિક ગતિવિધિઓને મજબૂત કરનારા તત્વોને પણ મોટો સંદેશો છે.

ભારતના હિંદુઓ એક મજબૂત, શ્રેષ્ઠ અને એક દેશ ઈચ્છી રહ્યા છે. ભારતના હિંદુઓ માટે ભારત એક જમીનનો ટુકડો કે હોમલેન્ડ જ નથી. ભારતના હિંદુઓ માટે ભારત તેમનું અસ્તિત્વ, તેમની માતૃભૂમિ છે. ભારતનો હિંદુ સંકુચિત પણ નથી કે પૂજાપદ્ધતિના આધારે કોઈને હિંદુ ગણે અને કોઈને ન ગણે. ભારતનો હિંદુ ભારતને માતૃભૂમિ કે પિતૃભૂમિ ગણનાર, પુણ્યભૂમિ ગણનાર તમામને બે હાથ લંબાવીને સ્વીકારવા માટે તૈયાર છે. 1947માં પણ હિંદુની ઉદ્દાત અને ઉદાર ભાવના હતી અને 2019માં પણ આવી જ લાગણી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે 2047માં કોઈ નવું પાકિસ્તાન ભારતનો હિંદુ પરોક્ષ કે પ્રત્યક્ષપણે આકાર લેવા દેશે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરવાનો સંદેશો ભારતના રાષ્ટ્રવાદી અને હિંદુત્વવાદીઓની લાગણીની માગણીનો પડઘો છે. સરકારને પણ આમ કરવું જ પડયું છે અને આગળ પણ ભારતની રાષ્ટ્રવાદી આકાંક્ષાઓની પૂર્તિ મજબૂતાઈથી કરવાનું કામ આગળ વધારવું પડશે. ભારત આમ કરી શકશે, ભારતની સરકાર આમ કરી શકશે, કારણ કે ભારતના લોકો તમારી સાથે એકજૂટતાથી છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત-સમર્થ ભારત આપણા સૌનું સહિયારું લક્ષ્ય છે.

અનુચ્છેદ – 370ને અસરહીન કરવાના ભારત સરકારના નિર્ણય બાદ લોકો કહી રહ્યા છે કે હાલ ચૂંટણી થવાની હોત, તો ભાજપને સૌથી વધુ 415 લોકસભા બેઠકોથી પણ વધુ બેઠકો મળત. તેનો સીધો અર્થ છે કે ભારતને યાદ રાખનાર, ભારતના લોકોની લાગણીને સમજનાર અને ભારતના લોકોની લાગણીને સાકાર કરનારા રાજનેતાઓ જ આગામી સમયમાં સત્તા પર આવશે. ભારતમાં કોઈ સ્ટેટ વિધિન સ્ટેટ કે કોઈ આંતરરાષ્ટ્રીય તત્વોનો ચંચૂપાત મજહબી કે વિચારધારાની રાહે ચાલવાનો નથી. ભારતને રક્તરંજિત કરવાની ધમકીઓ આપનારાઓ પણ સમજી લે, અમે ભારતના લોકો મુકાબલો કરીશું. ભારતમાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ ભારતના લોકોની આકાંક્ષા મુજબ થશે. ભારતમાં ભારતીય બંધારણ પ્રમાણે સૌને સમાન અધિકાર આપતો સમાન નાગરીક ધારો પણ આવશે અને ગૌહત્યા પણ બંધ થશે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરો પણ ભારતમાંથી હટાવાશે. અમે ભારતના લોકો કોઈ વૈશ્વિક સમીકરણો અને કૂટનીતિનો હાલ વિચાર કરતા નથી, અમારા માટે અમારું સમીકરણ માત્ર ભારતનું અસ્તિત્વ અને ગરિમા છે. હિંદુ વિચાર-ચિંતને વિશ્વ કલ્યાણની વિચારધારાથી માનવતાની સેવા કરી છે અને તે આગળ પણ ચાલુ જ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code