1. Home
  2. revoinews
  3. અલ્પમતમાં છે મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકાર: ભાજપ
અલ્પમતમાં છે મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકાર: ભાજપ

અલ્પમતમાં છે મધ્યપ્રદેશમાં કમલનાથની કોંગ્રેસ સરકાર: ભાજપ

0

ભોપાલ : લોકસભાની ચૂંટણી 2019 સમાપ્ત થઈ ચુકી છે અને હવે 23મી મેએ પરિણામ આવવાના છે. તેના પહેલા એક્ઝિટ પોલ્સમાં મોદી ફરીથી વડાપ્રધાન બનવાની આગાહી કરાઈ ચુકી છે. ત્યારે ભાજપે મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર અલ્પમતમાં હોવાનો દાવો કર્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખીને સત્ર બોલાવવાની માગણી કરી છે.

મધ્યપ્રદેશમાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે મીડિયાની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે એક્ઝિટ પોલ્સ પ્રમાણે ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસને બેથી ત્રણ લોકસભા બેઠકો જ પ્રાપ્ત થવાની છે. આ એ વાતના સંકેત છે કે મધ્યપ્રદેશની હાલની સરકારે જનતાનો ભરોસો ગુમાવી દીધો છે.

ભાર્ગવે કહ્યુ છે કે ઘણાં કોંગ્રેસના ધારાસભ્ય કમલનાથની સરકારથી પરેશાન થઈ ચુક્યા છે અને ભાજપની સાથે આવવા માંગે છે. તેવામાં સરકારે તેમને કહ્યુ છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ નહીં કરે. પરંતુ કોંગ્રેસના જ ધારાસભ્યો હવે તેની સરકારની સાથે નથી. માટે તેમની માગણી છે કે રાજ્યની વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે.

વિપક્ષના નેતાનું કહેવું છે કે સરકારે આ સત્રમાં પોતાની બહુમતી સાબિત કરવી પડશે, કારણ કે જનતા તેમને હવે સંપૂર્ણપણે નકારી રહી છે. આ સરકાર પોતાના જ બોજાથી ધ્વસ્ત થશે.

આ પહેલા ઈન્દૌરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે મુખ્યપ્રધાન કમલનાથ પર લોકસભાની ચૂંટણીમાં 22 બેઠકો જીતવાના દાવા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે 23 મેએ પરિણામો બાદ જોવું પડશે કે કમલનાથ 22 દિવસ મુખ્યપ્રધાન રહેશે કે નહીં, આના પર પણ પ્રશ્નચિન્હ છે.
એક્ઝિટ પોલ્સના તારણોથી ભાજપ ખુશ છે અને કોંગ્રેસ તારણો પર આંગળી ઉઠાવી રહી છે. ભાજપ કહી રહ્યુ છે કે જનતાએ મોદી પર ભરોસો વ્યક્ત કર્યો છે. પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે એક્ઝિટ પોલના પરિણામ 2004 જેવા સાબિત થશે.

ભાજપના ઉપાધ્યક્ષ પ્રભાત ઝાએ કહ્યુ છે કે આખા દેશમાં મોદીની લહેર છે. રાજકીય દિશા પણ બદલાય રહી છે. તેમણે દાવો કર્યો છે કે આ વખતે પણ મધ્યપ્રદેશમાં 27થી 28 બેઠકો આવી રહી છે. ભોપાલ બેઠક પણ અમે નિશ્ચિતપણે જીતીશું. દેશના દરેક વર્ગના લોકો મોદીનું નેતૃત્વ ચાહી રહ્યા છે.

કુલ 230 વિધાનસભા બેઠકોવાળા મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2018માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. તેને 114 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે બહુમતીના આંકડાથી કોંગ્રેસ બે બેઠકો પાછળ રહી હતી. બહુમતી માટે 116 બેઠકો જોઈતી હતી, જ્યારે ભાજપને 109 બેઠકો મળી હતી. તેના સિવાય અપક્ષને ચાર, બીએસપીને બે અને સમાજવાદી પાર્ટીને એક બેઠક પ્રાપ્ત થઈ હતી.

ચૂંટણી પરિણામોના દિવસે જ સમાજવાદી પાર્ટી અને બીએસપીએ કોંગ્રેસને સમર્થન આપવાનું એલાન કર્યું હતું અને અપક્ષ ધારાસભ્ય પણ કોંગ્રેસના પક્ષમાં હતો. આ પ્રકારે કોંગ્રેસની સરકારે પોતાના બહુમતીનો આંકડો પ્રાપ્ત કર્યો હતો અને કમલનાથ મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન બન્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.