1. Home
  2. revoinews
  3. વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે
વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે

વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે

0

નવી દિલ્હી: 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે દિલ્હીમાં એનડીએના નેતાઓને ડિનર આપશે. સૂત્રોનું કહેવું છે કે આ દિવસે કેન્દ્રીય કેબિનેટની પણ બેઠક યોજાશે.

રવિવારે આવેલા 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને આશા છે કે પરિણામ સર્વેના આંકડાઓથી પણ સારું હશે. બીજી તરફ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ પરિણામના દિવસે સાથીપક્ષોની બેઠક બોલાવી છે.

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે પ. બંગાળના પરિણામ રાજકીય વિશેષજ્ઞો માટે ચોંકાવનારા હશે. અમને અહીં ભાજપના સારા પ્રદર્શનની આશા છે. નરેન્દ્ર મોદીને પ. બંગાળમાં ઘણું સમર્થન મળ્યું છે. પ. બંગાળમાં આ વખતે અમે 2014માં મળેલી યુપી જેવી કામિયાબી પ્રાપ્ત કરીશું. તેમણે કહ્યુ છે કે શરૂઆતથી જ મહાગઠબંધન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. ઘણી પાર્ટીઓએ કોશિશ કરી, પરંતુ એકપણ રાજ્યમાં તેમને કામિયાબી મળી નથી. હવે મતદાન બાદ પણ કોશિશો ચાલુ છે. પરંતુ આની આશા ઘણી ઓછી છે.

કોંગ્રેસના નેતા શશી થરુરે એક્ઝિટ પોલ્સનો અસ્વીકાર કરતા કહ્યુ છે કે આપણે અસલી પરિણામો માટે 23મી મેની રાહ જોવી જોઈએ. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં 56 એક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થયા છે. ભારતમાં સરકારના ડરથી કોઈ ચૂંટણીની સચ્ચાઈ જણાવતું નથી.

ટીડીપીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ છે કે એક્ઝિટ પોલ્સ જનતાની નસ પારખવામાં નિષ્ફળ રહ્યા છે. ફરી એકવાર તે ખોટા સાબિત થશે. આશા છે કે આંધ્રપ્રદેશમાં ટીડીપી સત્તામાં પાછી ફરશે અને કેન્દ્રમાં બિનએનડીએ પક્ષોની સરકાર બનશે.

પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે મને એક્ઝિટ પોલની ગોસિપ પર ભરોસો નથી. આ માત્ર ઈવીએમાં ગડબડ અથવા તેને બદલવાનો એક ગેમ પ્લાન છે. તમામ વિપક્ષી દળોને અપીલ કરું છું કે એકજૂટ થઈને લડાઈ લડે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું દિલ્હીના મીડિયાએ વિશ્વસનિયતા ગુમાવી દીધી છે? તથાકથિત એક્ઝિટ પોલ્સ માત્ર ભ્રમિત કરશે. અમે જનતાના નિર્ણયની રાહ જોઈશું.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું છે કે તમામ એક્ઝિટ પોલ્સ ખોટા હોઈ શકે નહીં. હવે ટેલિવિઝન બંધ કરવાનો અને સોશયલ મીડિયાથી દૂર રહેવાનો સમય છે. 23મી મેના રોજ પરિણામ દુનિયા જોશે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યુ હતુ કે એક્ઝિટ પોલ્સની વિશ્વસનીયતા પર હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે. 50 વર્ષની રાજનીતિમાં આના પર ભરોસો કરવું કોઈ કારણ નથી. મને લાગે છે કે કોંગ્રેસ માત્ર પંજાબ જ નહીં, પણ દેશભરમાં સારું પ્રદર્શન કરશે.

સોનિયા ગાંધીએ 23 મેએ બોલાવી વિપક્ષી દળોની બેઠક

યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ 23મી મેના રોજ બિનએનડીએ દળોની બેઠક બોલાવી છે. પાર્ટીના સૂત્રો મુજબ, કોંગ્રેસનું માનવું છે કે ભાજપને આ વખતે બહુમતી મળશે નહીં. તેને ધ્યાનમાં રાખીને યુપીએના પ્રમુખ સોનિયા ગાંધીએ કથિત સેક્યુલર પાર્ટીઓના નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. તેમા શરદ પવારની એનસીપી, ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટાલિન, આરજેડી અને ટીએમસીના નેતાઓ સામેલ છે. આના માટે કોંગ્રેસે ચાર નેતાઓ – અહમદ પટેલ, પી. ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ અને અશોક ગહલોતની એક ટીમ બનાવી છે.

બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ યુપીમાં તેમના સાથીપક્ષ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. અખિલેશ બીએસપી સુપ્રીમોને તેમના લખનૌ ખાતેના નિવાસસ્થાને મળ્યા છે. બંને નેતાઓ ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરશે. મુલાકત દરમિયાન એક્ઝિટ પોલના અનુમાનો પર પણ ચર્ચા થવાની આશા છે.

આ પહેલા એક્ઝિટ પોલ્સમાં બઢત બનાવ્યા બાદ ભાજપ અને એનડીએના સાથીપક્ષોનો જોશ વધ્યો છે. ભાજપના નેતા દાવો કરી રહ્યા છે કે પાર્ટી આ વખતે એક્ઝિટ પોલના અનુમાનોથી પણ વધારે બેઠકો પ્રાપ્ત કરશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે એકલું ભાજપ 300થી વધારે બેઠકો પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

અલગ-અલગ ટેલિવિઝન ચેનલો અને એજન્સીઓ એક્ઝિટ પોલમાં ભાજપ અને તેના સાથીપક્ષોને 287થી લઈને 387 બેઠકો જીતવાનું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને 77થી 148 બેઠકો મળવાનું અનુમાન દર્શાવાય રહ્યું છે.

ભાજપને રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 2014ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનું અનુમાન છે. એક્ઝિટ પોલના અનુમાન બાદ પાર્ટીને અહીં વિધાનસભામાં થયેલા નુકસાનની ભરપાઈની આશા જાગી છે.

બીજી તરફ કોંગ્રેસે એક્ઝિટ પોલમાં ગડબડનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે ચૂંટણી પરિણામો બિલકુલ અલગ હશે.

એક્ઝિટ પોલ્સ બાદ જ એનડીએની સત્તામાં વાપસીની આશા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદનના સંદેશાઓ આવવા લાગ્યા છે. માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. નશીદે ભારતની સાથે નિકટવર્તી સંબંધો ચાલુ રહેવાની આશા વ્યક્ત કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code