અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે
- સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું
- દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા
અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, હવે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો પોતોના લગેજને સેનેટાઈઝ કરાવી શકશે. એટલું જ નહીં લગેજનું રેપિંગ પણ કરાવી શકશે.
અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 ઉપર બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન મુકવામાં આવ્યું છે. અહીં મુસાફર તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ચુકવીને પોતાનો સામાન સેનેટાઈઝ અને રેપીંગ કરાવી શકશે. મુસાફરોના લગેજને આ મશીનની મદદથી અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સેનિટાઈઝ કરી શકશે. આ ઉપરાંત બેગને પોલિથિનનું પેકિંગ પણ કરાવી શકશે. ડીઆરએમ દીપકકુમાર ઝાએ જણાવ્યું કે, અત્યાર સુધી એરપોર્ટ પર આ સુવિધા હતી. આ ટનલમાંથી લગેજ પસાર થતાં તે સેનિટાઈઝ થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના મેડિકલ તપાસ સહિતની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે લગેજને સેનેટાઈઝ અને રેપિંગની સુવિધાથી કોરોના વાયરસને ફેલતો અટકાવવામાં મદદ મળી રહેશે.