રોહિત તિવારી મર્ડર કેસ: અપૂર્વાને મોકલવામાં આવી તિહાર જેલ, અલગ બેરેકમાં રાખવાની અરજીને રદિયો
રોહિત શેખર મર્ડર કેસમાં આરોપી પત્ની અપૂર્વા તિવારીને ક્રાઇમ બ્રાંચને સાકેત કોર્ટમાં હાજર કરી, જ્યાંથી કોર્ટે અપૂર્વાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી. અપૂર્વાને ચશ્મા પહેરવાની પરવાનગી કોર્ટે આપી હતી. અપૂર્વાએ તિહાર જેલમાં અલગ બેરેકમા રહેવાની કોર્ટને વિનંતી કરી હતી, જેને કોર્ટે રદિયો આપી દીધો.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ એનડી તિવારીના દીકરા રોહિત શેખર તિવારીના મોતનું કોકડું આખે ઉકેલાઈ ગયું હતું. હત્યારા તરીકે ઘરમાંથી જે ચહેરો સામે આવ્યો તે કોઈ નહીં પરંતુ રોહિતની પત્ની અપૂર્વા શુક્લા તિવારી જ હતી. અપૂર્વાના દસ મહિના પહેલા જ રોહિત સાથે લગ્ન થયા હતા.
આ હત્યાકાંડની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી રાજીવ રંજને કહ્યું હતું કે 16 એપ્રિલના રોજ રોહિત અને અપૂર્વા વચ્ચે ઝઘડો અને મારપીટ થઈ હતી. આ દરમિયાન અપૂર્વાએ રોહિતને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક મહિલા સાથે દારૂ પીવાની વાતને લઈને રોહિત અને અપૂર્વા વચ્ચે ઝઘડો થયો હતો. હત્યા કર્યા પછી અપૂર્વાએ પુરાવાઓ નષ્ટ કરી દીધા હતા. આ બધું એક દોઢ કલાકની અંદર બન્યું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, અપૂર્વાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. અપૂર્વાએ પોતાના કબૂલાતનામામાં જણાવ્યું હતું કે ઘટનાની રાતે રોહિત અને તેની વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. બંને બેડરૂમમાં જ ઝઘડી રહ્યા હતા. રોહિત દારૂના નશામાં હતા. તેણે ઘણો દારૂ પીધો હતો. ધીમે-ધીમે બંને વચ્ચેનો ઝઘડો મારામારી પર આવી ગયો. અપૂર્વાના જણાવ્યા પ્રમાણે, તે સમયે બંને એકબીજાને મારવાની કોશિશ કરી રહ્યા હતા. આ દરમિયાન અપૂર્વાના હાથ રોહિતના ગળા સુધી જઇ પહોંચ્યા અને તેણે રોહિતને મોત આપી દીધું.