જગનમોહન રેડ્ડીનો ઐતિહાસિક નિર્ણય, પહેલીવાર દેશના કોઈ રાજ્યમાં હશે પાંચ ડેપ્યુટી સીએમ
આંધ્રપ્રદેશમાં ટીડીપીને સત્તામાંથી હટાવીને મુખ્યપ્રધાન બનેલા જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી વાઈએસઆર કોંગ્રેસની સરકારમાં પાંચ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે, જેથી તમામ જાતિઓનું સત્તામાં સંતુલન બનાવી શકાય.
વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફા સાઈકે કહ્યુ છે કે આંધ્રપ્રદેશ સરકારમાં પાંચ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. આ પાંચ નાયબ મુખ્યપ્રધાન એસસી, એસટી, ઓબીસી, લઘુમતી અને કાપુ એમ પાંચ સમુદાયોમાંથી બનાવવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે આંધ્રપ્રદેશની 175 વિધાનસભા બેઠકોમાં વાઈએસઆર કોંગ્રેસે 151 બેઠકો પર શાનદાર જીત પ્રાપ્ત કરી છે. જ્યારે 25માંથી 22 લોકસભા બેઠકો પર પણ જીત મેળવી છે.
જ્યારે અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટીને એક બેઠક મળી હતી. તો કોંગ્રેસ અને ભાજપને અહીંથી એકપણ બેઠક જીતવામાં સફળતા મળી નથી.
2014ની વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીએ 102 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. જ્યારે ભાજપે ચાર અને વાયએસઆરએ 67 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.