અમદાવાદમાં પરિવહન સેવા ફરીથી શરૂ, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન
અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં પાંચ મહિના બાદ ફરી એકવાર પરિવહન સેવાનો પ્રારંભ થયો હતો. આજથી શહેરના માર્ગો ઉપર ફરીથી AMTS અને BRTS બસ દોડતી થઈ હતી. જો કે, પરિવહન સેવામાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયાના દ્રશ્યો સામે આવ્યાં હતા. મુસાફરો બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોવાનું તેમજ નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. AMTS અને BRTS સેવા ફરી શરૂ થતા શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના માર્ગો ઉપર BRTS અને AMTS સેવા શરૂ કરવામાં આવી છે. AMTS દ્વારા કુલ 149 રૂટ ઉપર કુલ 700 બસ અને BRTS દ્વારા 13 રૂટ પર 222 જેટલા બસ પરિવહન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરાઈ હતી. જો કે, મુસાફરો કોરોનાને જ ભૂલી ગયા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી હોયના આક્ષેપ થઈ રહ્યાં છે. બસમાં મુસાફરોને ઉભા નહીં રહેવાના નિર્દેશ કર્યાં હતા. જો કે, અનેક બસમાં કેપેસિટી કરતા વધારે મુસાફરો જોવા મળ્યાં હતા.
અમદાવાદ શહેરમાં લૉકડાઉન અને અનલોકના પગલે શહેરની ટ્રાન્સપોર્ટ સેવા AMTS અને BRTS છેલ્લા પાંચ મહિનાથી બંધ હતી. લોકોમાં અનેક છુટછાટ અને નિયમ પાલન સાથે કન્ટેઇમન્ટ ઝોન બાદ કરતા રૂટ પર ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરાઇ હતી.