દેશની આંતરીક સુરક્ષાના મામલે ગૃહ પ્રધાન અમિત શાહે એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરી છે. આ બેઠકમાં અમિત શાહ સિવાય ગૃહ સચિવ રાજીવ ગૌબા, એનએસએ અજીત ડોભાલ, આઈબી ચીફ, રૉ ચીફ સહીત ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર છે.
સૂત્રો પ્રમાણે, આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાની ચર્ચા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ગત બે દિવસોમાં રાજકીય હિંસામાં આઠ લોકોના જીવ ગયા છે. જેમાં ભાજપના પાંચ અને ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં દેશની આંતરીક સુરક્ષા સામે જોડાયેલા તમામ પાસાઓ પર ચર્ચા થઈ રહી છે. માટે તેમા પશ્ચિમ બંગાળ હિંસા સહીત અલીગઢ ઘટના પર પણ ચર્ચા થયાની સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં હિંસાના મુદ્દા પર ભાજપ સોમવારે પશ્ચિમ બંગાળમાં કાળો દિવસ માનવી રહ્યું છે. તો થોડાક કલાકો પહેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી છે. બાદમાં રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે. તેમણે કહ્યુ છે કે વાત થશે તો બંગાળ પર જાણકારી આપીશ.
મહત્વપૂર્ણ છે કે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે, રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની એડવાઈઝરીનો જવાબ આપતા મમતા બેનર્જીની સરકારે કહ્યું હતું કે રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. રાજ્યના મુખ્ય સચિવ મલયકુમારે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યુ છે કે કેટલાક અસામાજીક તત્વોએ ચૂંટણી બાદ ઘર્ષણની છૂટીછવાઈ ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આવા તમામ મામલામાં વિના વિલંબે આકરી અને યોગ્ય કાર્યવાહી કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે જાહેર કરેલા દિશાનિર્દેશમાં રાજ્યમાં ચાલી રહેલી હિંસા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને કાયદો તથા વ્યવસ્થા, જાહેર શાંતિ જાળવી રાખવાના નિર્દેશ આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્રને જણાવ્યું છે કે 24 પરગણાના નાજત પોલીસ સ્ટેશન હેઠલ આવનારા આ મામલાને તાત્કાલિક નોંધવાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી છે. તો ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે પોલીસ ફોર્સની ટુકડીઓની તેનાતી કરવામાં આવી છે.