અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ ઝડપી સુનાવણી માટે તૈયાર છે. ઈડીએ દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેમાં હાઈકોર્ટે રાજીવ સક્સેનાને વિદેશ જવાની મંજૂરી આપી હતી.
દિલ્હી હાઈકોર્ટે સ્વાસ્થ્ય આધાર પર રાજીવ સક્સેનાને વિદેશ જવાની મંજૂરી આપી હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશ પ્રમાણે, રાજીવ 25 જૂનથી 24 જુલાઈ સુધી વિદેશમાં રહેશે. હાઈકોર્ટના આ આદેશ સામે ઈડી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટ મંગળવારે આ મામલાની સુનાવણી કરશે.
વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં વચેટિયામાંથી સાક્ષી બનેલા રાજીવ સક્સેનાએ કોર્ટ પાસેથી વિદેશ યાત્રાની મંજૂરી માગી હતી. દિલ્હી હાઈકોર્ટે રાજીવ સક્સેનાને એક માસ સુધી વિદેશ જવાની મંજૂરી આપી હતી. નીચલી અદાલતે કેટલાક સમય પહેલા રાજીવ સક્સેનાને સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. કોર્ટે ઈડીની અરજી પર નીચલી અદાલતના આદેશ પર રોક લગાવી દીધી હતી. નીચલી અદાલતે સક્સેનાને બ્રિટન અને દુબઈ જવાની મંજૂરી આપી હતી.
રાજીવ સક્સેનાએ આ વર્ષે 27 ફેબ્રુઆરીએ સાક્ષી બનવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેને બીમારીના આધારે 25 ફેબ્રુઆરીએ કોર્ટમાંથી પહેલા જ જામીન પણ મળી ચુકી છે. રાજીવ સક્સેનાને 31 જાન્યુઆરીએ દુબઈથી પ્રત્યાર્પિત કરીને લાવવામાં આવ્યો હતો. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના મામલામાં પહેલા સક્સેનાને આરોપી બનાવવામાં આવ્યો હતો. બાદમાં તેણે સાક્ષી બનવાની પેશકશ કરીને એજન્સીને મામલાની જાણકારીમાં મદદ કરવાની ખાત્રી આપી હતી.
રાજીવ સક્સેના પોતાના નિવેદન પણ કોર્ટમાં રેકોર્ડ કરાવી ચુક્યો છે. દુબઈના કારોબારી રાજીવ સક્સેનાના સરકારી સાક્ષી બન્યા બાદ તપાસ એજન્સી સીબીઆઈ અને ઈડીને આશા છે કે તેઓ આરોપીઓની વિરુદ્ધ તપાસ બાદ નક્કર પુરાવા કોર્ટાં રજૂ કરવામાં કામિયાબ થશે, કારણ કે સક્સેનાએ કોર્ટને જણાવ્યું હતું કે ઘણી વિચારણા કર્યા બાદ તેણે સાક્ષી બનવાનો નિર્ણય કર્યો છે.