લોકસભાના પરિણામો પછી બંગાળમાં મમતા કાલે TMCના નેતાઓની બેઠક બોલાવશે, BJP આજે બોલાવશે કેબિનેટ મીટિંગ
લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા પછી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને મોટો ઝાટકો લાગ્યો છે. બીજેપીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરીને 18 સીટ્સ મેળવી છે. જ્યારે ટીએમસી પોતાના છેલ્લા પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શકી. હવે સીએમ મમતા બેનર્જીએ પરિણામો પછી ઊભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા માટે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. આ સાથે જ બીજેપીએ પણ આજે સાંજે દિલ્હીમાં કેબિનેટની બેઠક બોલાવી છે. આજે સાંજે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફોન કરશે.
ટીએમસી સુપ્રીમો મમતાએ કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને શનિવારે પાર્ટીના નેતાઓને મંથન માટે બોલાવ્યા છે. આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓને હાજર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મીટિંગમાં ટીએમસીના ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે.
રાજ્યમાં બે વર્ષ પછી એટલે કે 2021 માં વિધાનસભા ચૂંટણી છે અને બીજેપી જે રીતે સફળતા મેળવી રહી છે તે જોતા ટીએમસીની ચિંતાઓ વધી રહી છે. આ પહેલા મમતાએ કાઉન્ટિંગ દરમિયાન ટ્વિટમા કહ્યું હતું કે, વિજેતાઓને અભિનંદન, પરંતુ તમામ હારનારાઓ લૂઝર્સ નથી. અમે તેના પર સંપૂર્ણ સમીક્ષા કરીને તમારી સાથે વિચારો શેર કરીશું. પહેલા વોટ્સની ગણતરી અને વીવીપેટ સાથે મેચ પૂરું થવા દો.