અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. દરમિયાન ખાનગી સ્કૂલો દ્વારા ફી મુદ્દે વાલીઓ ઉપર દબાણ કરવામાં આવતા વાલીઓમાં પણ નારાજગી ફેલાઈ છે. બીજી તરફ સરકારી શાળાઓમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ મળતી હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ મનપા સંચાલિત શાળામાં કરી રહ્યાં છે. જેના પરિણામે ચાલુ વર્ષે ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોમાં 5થી 10 ટકા પ્રવેશ ઘટ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ચાલુ વર્ષે જૂન મહિનામાં જ 14434 વિદ્યાર્થીઓના પ્રવેશ સરકારી શાળામાં થયાં છે. ગયા વર્ષની સરખામણીમાં 4892 જેટલા વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગયા વર્ષે 9542 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. AMC સ્કૂલ બોર્ડના શાસનાધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં આટલી મોટી સંખ્યા નથી વધી જે આ વર્ષે વધી છે. ધોરણ 1માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ, વિદ્યાદીપ યોજના અંતર્ગત 50 હજારનું વિમા કવચ, શિષ્યવૃતિ, બીપીએલ કાર્ડધારક વિદ્યાર્થીનિઓને 2 હજારના વિદ્યાલક્ષ્મી બોન્ડ ઉપરાંત સ્કૂલબેગ, વોટરબેગ, સ્ટેશનરી કીટ વગેરે આપવામાં આવે છે. જે જોતા પેરેન્ટ્સ પણ એડમિશન અપાવી રહ્યા છે. અમદાવાદ મનપા સંચાલિત શાળાઓમાં જૂનિયન, સિનિયર કેજી અને ધોરણ 1 માં લગભગ 19,577 જેટલા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે પ્રવેશ મેળવ્યો છે.
અમદાવાદની ખાનગી શાળાઓમાં ધો-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ ફી માફીની માંગણી સાથે સરકારને રજૂઆત કરી ચુક્યાં છે. આ તેમજ આ મુદ્દો રાજ્યની વડી અદાલતમાં પણ પહોંચ્યો હતો. રાજ્ય સરકાર ફી ઘટાડા મુદ્દે સ્કૂલ સંચાલકો સાથે ચર્ચા કરી રહી છે.