રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાકને ગુનો ગણાવતું બિલ ચર્ચા અને મંજૂરી માટે લાવવામાં આવ્યું છે. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ સામેલ છે. લોકસભામાંથી ગત 26 જુલાઈએ આ બિલ પારીત થઈ ચુક્યું છે. હવે રાજ્યસભાના એજન્ડામાં આજે કંપની સંશોધન બિલ અને રાષ્ટ્રીય ડિઝાયન સંસ્થાન સંશોધન બિલ પણ સામેલ છે. લોકસભામાં આજે ગ્રાહક સંરક્ષણ બિલને વિચારણા માટે લાવવામાં આવ્યું છે. તેની સાથે મજૂરી સંહિતા બિલને પણ ગૃહમાં વિચારણા માટે રજૂ કરવામાં આવશે.
રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટીની પાસે મોકલવા માટે ઘણાં પ્રસ્તાવ વિપક્ષી સાંસદો તરફથી આપવામાં આવ્યા છે. વિપક્ષી સાંસદોએ બિલ પર સંશોધન પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ કર્યો છે. કોંગ્રેસના સાંસદ અમી યાજ્ઞિકે બિલ પર બોલતા કહ્યુ છે કે આ બિલ માત્ર એક મહિલા સાથે નહીં, પરંતુ તેના આખા પરિવાર સાથે જોડાયેલું છે. તેમણે કહ્યુ છેકે મહિલા સશક્તિકરણના બેકગ્રાઉન્ડમાં આપણે ભૂલી જઈએ છીએ કે કોર્ટના ચુકાદા બાદ આ પ્રેક્ટિસ રહેવી જોઈએ નહીં. અમી યાજ્ઞિકે કહ્યું છે કે મહિલા સશક્તિકરણને સરકારે એક કોર્ટમાં ધકેલી દીધું છે અને તે પણ અપરાધ ગણાવીને. આનાથી તમામ મહિલા સાથે ન્યાય કરવા જઈ રહ્યા નથી.
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ કાર્યવાહી થઈ શકતી નથી અને નાનીનાની વાતો પર ટ્રિપલ તલાક આપવામાં આવતા હતા. અમે આ કારણથી ફરીથી કાયદો લાવ્યા છીએ. તેમણે કહ્યુ છે કે લોકોની ફરિયાદો બાદ બિલમાં કેટલાક પરિવર્તન પણ કરવામાં આવ્યા છે. હવે તેમા બેલ અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. આ સવાલને વોટબેંકના ત્રાજવે તોળવામાં આવે નહીં, આ સવાલ નારી ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે. કાયદા પ્રધાને કહ્યુ છેકે એક તરફ દીકરીઓ ફાઈટર પ્લેન ચલાવી રહી છે અને બીજી તરફ ટ્રિપલ તલાકથી પીડિત બેટીઓને ફૂટપાથ પર છોડી શકાય નહીં. તેમણે ગૃહમાંથી બિલને પાસ કરાવવાની અપીલ કરી છે.
રાજ્યસભામાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે રાષ્ટ્રીય ડિઝાઈન સંસ્થાન સંશોધન બિલને ગૃહમાં રજૂ કર્યું છે. તેના પછી ગૃહમાં ટ્રિપલતલાક બિલને રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી॥ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે બિલ રજૂ કરતા કહ્યુ છે કે આજે ગૃહ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે આગળ બિલને ગૃહમાં ચર્ચા માટે રજૂ કરતા કહ્યુ છે કે 20થી વધારે ઈસ્લામિક દેશોએ ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે અને ભારત જેવા દેશમાં એ લાગુ રહી શકે નહીં. તેમણે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે પણ તેને ગેરબંધારણીય ગણાવ્યું છે.
રાજ્યસભામાં ભાજપના સાંસદ ડીપી વત્સે સેના અને પોલીસમાં મહિલાઓની વર્દીનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ શૈલજા કુમારીએ વાંધો વ્યક્ત કર્યો હતો, કારણ કે ભાજપના સાંસદે કહ્યુ હતુ કે આ વર્દી ભારતીય મહિલાઓ માટે ઠીક નથી અને સલવાર સૂટને વર્દીમાં સામેલ કરવામાં આવે. તેના પર કોંગ્રેસના સાંસદે ગૃહમાં હંગામો શરૂ કર્યો હતો. ભાજપના સાંસદે ભારતીય મહિલાઓની ગરિમા માટે આ પગલું ઉઠાવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. સભાપતિએ કહ્યુ હતુ કે તમે સંમત હો કે નહીં, પરંતુ સદસ્યને મુદ્દો ઉઠાવવાનો અધિકાર છે.