વિશ્વ પર્યાવરણ દિવસ: રસ્તામાંથી વીજળી અને કાચની બોટલમાંથી રેતી, ધરતીને બચાવી રહી છે આ 8 નવી શોધ
જો આપણે જળવાયુ પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ને અટકાવી ન શકીએ તો તેની ગતિને તો ધીમી કરી શકીએ છીએ. કેટલીક નવી શોધ આપણને આ માટે તૈયાર કરે છે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે અમે તમને પર્યાવરણની મદદનીશ એવી 8 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ. દુનિયામાં થયેલા આ ઇનોવેશન્સથી પર્યાવરણને થનારું નુકસાન ઓછું થઈ શકે છે અને ઊર્જાના નવા રસ્તાઓ નીકળે છે.
સોલાર કોલ્ડ સ્ટોરેજ
આઇઆઇટી મદ્રાસના વિદ્યાર્થીઓના એક સ્ટાર્ટઅપ ટેન-90એ સોલર કોલ્ડ સ્ટોરેજ તૈયાર કર્યું છે. સોલરથી ચાલતું આ ડિવાઇસ ખેતરમાં થનારી બરબાદીને ઓછી કરે છે. 300થી 500 કિલો ફળો, શાકભાજીઓ અથવા ડેરી પ્રોડક્ટ્સને ઠંડા તાપમાનમાં રાખી શકે છે.
પાણીની પાઇપમાંથી વીજળી
જર્મનીમાં લોકો પાસેથી પૈસા ભેગા કરીને બ્લૂ ફ્રીડમે પાણીની પાઇપમાંથી પાવર બનાવવાની સિસ્ટમ તૈયાર કરી છે. નગરપાલિકાની પાઇપોમાં ફ્લો થતા પાણીથી ટ્યૂબ ટર્બાઇન દ્વારા વીજળી પેદા કરી શકાય છે. આ કંપનીએ હળવા વજનનો હાઇડ્રોપ્લાન્ટ પણ બનાવ્યો છે, જેને ક્યાંય પણ લઇ જઇને ડિવાઇસને ચાર્જ કરી શકાય છે.
કાચની બોટલમાંથી રેતી
રોજબરોજની જીંદગીમાં આપણે કાચની ઘણી બોટલોનો ઉપયોગ કરીને તેને ફેંકી દઇએ છીએ. ન્યુઝીલેન્ડની કંપની એક્સપ્લેકોએ એક મશીન બનાવ્યું છે, જેનાથી બોટલોને પીસીને રેતી જેવાં બનાવી શકાય છે. આ રેતી નુકસાન નથી પહોંચાડતી અને સરળતાથી રિસાયકલ થઈ જાય છે.
રસ્તામાંથી પેદા થાય છે વીજળી
ફ્રાન્સની કંપની વેટવેએ એવો રસ્તો બનાવ્યો છે જે વીજળી પેદા કરી શકે છે. રસ્તા ઉપર ફોટોવોલ્ટિકનું એક લેયર બિછાવવામાં આવ્યું છે, જેનાથી રિન્યુએબલ એનર્જી પેદા થાય છે. સાથે જ રસ્તા પર ગાડીઓ પણ ચાલતી રહે છે.
માટીને બચાવતું સ્પ્રે
નોર્વેની એક કંપનીએ માટીને રણ થતી બચાવવા માટે એક સ્પ્રે તૈયાર કર્યું છે. આ સ્પ્રેને લિક્વિડ નૈનોક્લે અને પાકી માટીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. તે જમીનની અંદર પાણીને અટકાવવા માટેનું એક નેટવર્ક તૈયાર કરે છે. પછી સરળતાથી પાક કે વૃક્ષો વાવી શકાય છે.
હવાથી ચાલતા ટર્બાઇન
અમેરિકાની V-AIR કંપનીએ 10 ફૂટ ઊંચા હવાથી ચાલતા ટર્બાઇન બનાવ્યા છે. તે ફક્ત 14 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી હવાથી વીજળી પેદા કરી શકે છે. સ્ટ્રીટલાઇટ માટે તે વધુ સારાં છે.
સમુદ્રના મોજાંમાંથી વીજળી
અમેરિકાની ઓસિલા પાવરે એક એવું ડિવાઇસ બનાવ્યું છે, જે સમુદ્રની ગતિ ઊર્જાને ઇલેક્ટ્રિસિટીમાં બદલી નાખે છે. એટલેકે સમુદ્રમાં એક કન્વર્ટર લગાવવામાં આવે છે, જે એનર્જીથી વીજળી બનાવે છે. અનેક કન્વર્ટર લગાવીને એક પાવર પ્લાન્ટ પણ બની શકે છે.
સોલાર પેનલ
બાંગ્લાદેશના ઘણા ગામ એકબીજાને વીજળી વેચે છે. અહીંયા તમામને ત્યાં સોલર પેનલ લાગેલી છે, જે પરસ્પર જોડાયેલા છે. એક સિસ્ટમ હેઠળ ઉપયોગ પછી જેટલી વીજળી બચે છે, તેને પાવર મીટર દ્વારા વેચવામાં આવે છે.