જામનગરમાં ધરા ધ્રુજીઃ 24 કલાકમાં 5 આંચકા
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2002માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર હળવા આંચકા નોંધાય છે. જો કે, હવે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની સાથે જામનગર જિલ્લામાં પણ ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. જામનગરમાં 24 કલાકમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ પાંચ આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મધ્યરાત્રિ બાદ ભૂકંપના બે આંચકા અનુભવાયાં હતા. મધ્ય રાત્રિએ 2.2 અને વહેલી સવારે 2.3 ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ અનુક્રમે લાલપુરથી 18 અને 31 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે પણ દિવસ દરમિયાન ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જામનગરના કાલાવડના બાંગા, બેરાજા, ખાનકોટડા, માટલી, ખઢેરા સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી ગ્રામજનો ઘરની બહાર દોડી ગયા હતા. જામનગરમાં 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ બાદ હવે જામનગરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. જેના કારણે લોકો ભય અનુભવી રહ્યાં છે.