જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અલગ-અલગ અથડામણમાં પાંચ આતંકીઓ ઠાર થયા છે. ગત પાંચ માસમાં આતંકવાદીઓ પર સુરક્ષાદળો કેર બનીને ત્રાટક્યા છે. આ પાંચ આતંકીઓના ખાત્મા સાથે કાશ્મીર ખીણમાં આ વર્ષે અત્યાર સુધીમાં 101 આતંકીઓનો ખાત્મો બોલી ચુક્યો છે.
ગત પાંચ માસમાં માર્યા ગયેલા આતંકીઓમાં 25 વિદેશી અને 76 સ્થાનિક આતંકવાદી સામેલ છે. આ આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ,લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા, જેમાં એક વિદેશી અને એક સ્થાનિક આતંકી સામેલ છે. ત્રાલમાં ઠાર થયેલા આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટકો જપ્ત થયા છે.
પોલીસે જણાવ્યું છે કે શોપિયાં જિલ્લામાં શુક્રવારે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. આતંકવાદીઓની છૂપાયેલા હોવાના ઈનપુટ્સ બાદ સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના દારગાડ સુગન વિસ્તારની ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સર્ચ ઓપરેશન દરમિયાન છૂપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા હતા. આતંકવાદીઓની ઓળખ નૌપોરા પાઈં પુલવામાના વતની આબિદ મંજૂર માગ્રે ઉર્ફે સજ્જૂ ટાઈગર અને ઉરમુલ્લા લસ્સીપુરા પુલવામાના વતની બિલાલ અહમદ ભટ્ટ તરીકે થઈ છે.