પશ્ચિમ રેલવે ટ્રેનોની સ્પીડમાં કરાશે વધારો, અમદાવાદથી મુંબઈ ઝડપથી પહોંચાડશે
અમદાવાદઃ પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે ત્યારે અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનો પણ સુપરફાસ્ટ બનશે. અત્યારે અમદાવાદથી મુંબઇ જવું હોય તો પાંચ થી સાત કલાકનો સમય લાગે છે પરંતુ સ્પીડ વધશે ત્યારે અમદાવાદથી મુંબઇ વચ્ચે સમય ઘટી જશે. અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેનની સ્પીડ વધારીને પ્રતિકલાક 130 કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે મંત્રાલય દ્રારા ગુજરાતમાં મુંબઇની મુસાફરીનો સમય ઘટાડવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેમાં ચાલતી ટ્રેનોની ગતિ જે હાલ 110 કિલોમીટર પ્રતિ કલાક છે તે વધારીને 130 કિલોમીટર પ્રતિકલાક કરવામાં આવશે. સ્પીડનો સમય વધતાં હાલ વડોદરા અને મુંબઇ વચ્ચે દોડતી શતાબ્દી એકસપ્રેસનો મુસાફરી સમય 45 મિનિટ સુધી ઓછો થઇ જશે.
વિભાગીય રેલ્વે મેનેજર દીપકકુમાર ઝાના જણાવ્યું હતું કે, અમદાવાદ–વડોદરા વચ્ચે સેમી હાઇસ્પીડ રેલ્વે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. ટ્રેક મુંબઇ અને દિલ્હી વચ્ચેના અર્ધહાઇસ્પીડ કોરિડોરનો એક ભાગ છે. એકવાર અમદાવાદ અને વડોદરા વચ્ચેનો ટ્રેક અપગ્રેડ થયા પછી મુસાફરીનો સમય વધુ ઘટશે. અમદાવાદ અને વટવા વચ્ચે ત્રીજો ટ્રેક નાખવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઇ છે, પરંતુ હાલ હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટના અંતિમ આદેશ સુધી કામ પૂર્ણ થઇ શકતું નથી. ડિવિઝન હાલના ટ્રેક સાથે ત્રીજી લાઇનને જોડવાની સંભાવનાને શોધી રહ્યો છે જેથી તેનો ઉપયોગ થઈ શકે.