નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ્સના પરિણામ સામે આવ્યા છે. લગભગ એકાદ અપવાદને બાદ કરતા તમામ એજન્સીએ એક્ઝિટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતી આપી છે. પરંતુ આનાથી અલગ અભિપ્રાય હાલના ઉપરાષ્ટ્રપતિ અને ભાજપના ભૂતપૂર્વ નેતા એમ. વેંકૈયા નાયડુ ધરાવે છે. વેંકૈયા નાયડુએ રવિવારના એક્ઝિટ પોલ્સ મામલે કહ્યુ છે કે આ વાસ્તવિક પરિણામ નથી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિનું કહેવુ છે કે એક્ઝિટ પોલ વાસ્તવિક પરિણામ નથી. આપણે આ સમજવું જોઈએ. 1999થી મોટાભાગના એક્ઝિટ પોલ્સ ખોટા પડયા છે.
નાયડુએ ગુંટૂરમાં શુભચિંતકોની સાથેની અનૌપચારીક બેઠકને સંબોધિત કરી હતી. અહીં પ્રવર્તમાન લોકસભા ચૂંટણીનો સંદર્ભ ટાંકતા તેમણે કહ્યુ હતુ કે દરેક પાર્ટી (પોતાની જીત સંદર્ભે )આશ્વસ્ત રહે છે.
વેંકૈયા નાયડુએ કહ્યુ છે કે 23મી તારીખે દરેક પોતાના આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. તેનો કોઈ આધાર હોતો નથી. માટે આપણે 23 તારીખની રાહ જોવી જોઈએ.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યુ છે કે દેશ અને રાજ્યને એક કુશળ નેતા અને સ્થિર સરકારની જરૂરત હોય છે. ચાહે પછી જે હોય. બસ એટલું જ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ છે કે સમાજમાં પરિવર્તન રાજકીય પક્ષોમાં પરિવર્તન સાથે થવું જોઈએ.
મહત્વપૂર્ણ છે કે ઈન્ડિયા ટુડે-એક્સિસ-માઈ-ઈન્ડિયા એક્ઝિટ પોલના સૌથી મોટા સર્વેક્ષણમાં 72187 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. સર્વે પ્રમાણે ભાજપ અને તેમના સાથીપક્ષોને 542 લોકસભા બેઠકોમાંથી 339 અને 365 બેઠકો વચ્ચે જીત મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ બેઠકો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
ઈન્ડિયા ટુડે-એક્સિસ-માય-ઈન્ડિયા પોલ પ્રમાણે, યુપીએને આ ચૂંટણીમાં 77થી 108 બેઠકો મળવાનું અનામન વ્યક્ત કરવામાં આવ્યું છે. પ્રાદેશિક અને અન્ય પક્ષોને 69થી 95 બેઠકો મળે તેવી સંભાવના છે. આના સિવાય જેટલા પણ એક્ઝિટ પોલ અત્યાર સુધી સામે આવ્યા છે, તેમા ભાજપની જીત અથવા તો એનડીએને બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં તો એનડીએને 300થી વધારેનો આંકડો આપવામાં આવ્યો છે.