– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
દિન આજ કા બડા સુહાના , મૌસમ ભી બડા સુનહરા,
હમ સર પે બાંધ કે આયે બલિદાનો કા યહ સેહરા ,
બેતાબ હમારે દિલ મેં એક મસ્તી સી છાયી હૈ ,
એ દેશ અલવિદા તુજકો કહને કી ઘડી આયી હૈ ,
મહેંકેગે તેરી ફીઝા મેં હમ બન કે હવા કા ઝોંકા ,
કિસ્મતવાલો કો મિલતા એસે મરને કા મોકા ,
નિકલી હૈ બારાત સજા હૈ ઇન્કલાબ કા ડોલા..!!
મેરા રંગ દે બસંતી ચોલા માંયે રંગ દે …!!
૨૩ માર્ચ ૧૯૩૧ ની સુનહરીસાંજ ૭ વાગ્યાની આસપાસ માં ભારતીની આઝાદી માટે ત્રણ યુવાવીરો હસતા હસતા કેસરિયા કરવા પોતાના પ્રાણોની આહુતિ આપવા ફાંસીના માચડે લટકવા યુવાજોશ સાથે આગળ વધી રહ્યા હતા..!! આ ત્રણેય યુવાવીરો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ નો હ્ર્દયભાવ “દિન આજકા બડા સુહાના ….રંગ દે બસંતી ચોલા માંયે રંગ દે ..!!” હતો .વર્ષ ૨૦૦૨ માં આવેલી ” ઘ લેજેન્ડ ઓફ ભગતસિંહ ” ફિલ્મમાં સમીરજીના આ શબ્દોએ આબેહૂબ રજૂ કર્યું છે . માત્ર ૨૦ ૨૫ વર્ષની ફૂલગુલાબી અને યુવા તરવરાટ ભરી ઉંમરમાં રાષ્ટ્રકલ્યાણ માટે પોતાના પ્રાણોનું હસતા હસતા બલિદાન આપવું એ જ સાહસ , શૂરવીરતા અને રાષ્ટ્રપ્રેમની પરાકાષ્ઠા છે જે સરદાર ભગતસિંહ , સુખદેવ અને રાજ્યગુરુ એ કરી બતાવ્યું !
આજે ૨૮ સપ્ટેમ્બર અને ૧૯૦૭ ની સાલમાં બંગા ગામ , લાયલપુર પંજાબમાં ખેડૂત પરિવારમાં સરદાર કિશનસિંહ અને માતા વિદ્યાવતીજીને ત્યાં રાષ્ટ્રસપૂત સરદાર ભગતસિંહનો જન્મ થયો . બાળપણ થી રાષ્ટ્રપ્રેમના સંસ્કારોએ યુવાવયે જ ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને ક્રાંતિકારી તરીકે જાણીતા બન્યા . યુવાવયમાં પ્રખર રાષ્ટ્રભકત ચંદ્રશેખર આઝાદ અને એમના સંગઠન સાથે રાષ્ટ્રસમર્પણ ભાવે દેશની આઝાદી માટે અખૂટ સાહસ અને ઉર્જા સાથે શક્તિશાળી અંગ્રેજ સરકારના પાયા હચમચાવ્યા અને અંગ્રેજો સામે મક્કમતાથી મુકાબલો કરીને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું .
ખેડૂત પરિવારમાં જન્મેલો આ વ્હાલો ભગતએ પરિવારનો ખૂબ લાડકો બાળપણથી જ પોતાના પરિવારના બધા જ સભ્યોને ખૂબ પ્રેમ આપે દરેકની ખૂબ કાળજી રાખે . ભગતનું બાળપણ પરિવારની હૂંફ માં અને હરિયાળા ખેતરોમાં ઊછરી રહ્યું હતું ત્યારે એક વખત ભગત માત્ર ૧૨ વર્ષ ના હશે અને તેઓ શાળાએ ભણવા ગયા હતા અને ૧૩ એપ્રિલ ૧૯૧૯ નો એ દિવસ એમના ગામ પાસે અમૃતસરમાં આવેલો જલિયાંવાલાબાગ અંગ્રેજોની ગોળીઓથી ઘણઘણી ઉઠ્યો ! ક્રૂર અંગ્રેજ શાસકો દ્વારા માનવતાના નામે કલંક સમો આ નરસંહાર દેશવાસીઓને ધ્રુજાવી દેનારો હતો ! આ સમયે બાળ ભગત શાળા માં હતો અને એ સમયે શાળા માં એમના કાકા ભગત ને લેવા માટે દોડ્યા ! આ નરસંહારના સાક્ષી બનવા ભગત તેમના કાકા સાથે ૧૨ માઈલ જેટલું ચાલતા ચાલતા જલિયાંવાલાબાગ પહોંચ્યા. ગોળીઓથી વીંધાયેલા દેશવાસીઓ , કુવામાં પડેલી લાશોના ઢગલા , દેશવાસી ના લોહીથી લાલ થયેલી એ જમીને તેમના બાળ હ્ર્દયમન ને હચમચાવી મૂક્યું અને ત્યાં જ ભગતસિંહે જલિયાંવાલાબાગની રક્તરંજિત માટીને હાથમાં લઈને આ ક્રૂર અંગ્રેજ શાસન ને આપણા દેશમાં થી જળમૂળમાંથી ઉખેડી નાખવાનો સંકલ્પ કર્યો..!!
બાળપણથી જ અંગ્રેજોની આ ક્રૂર શાસન જોતા અનુભવતા હવે ભગતસિંહ યુવાનીમાં પ્રવેશ્યા એમણે લાહોરની નેશનલ કોલેજમાં ભણતા ભગતના મનમાં સ્વરાષ્ટ્રં અને અંગ્રેજોના દમનની સામે અવાજ ઉઠાવવાની આગ ઉંમર વધતા વધતી જતી હતી તેમણે કોલેજનું ભણતર છોડી ભારતની આઝાદી માટે “નૌજવાન ભારત સભા ” નામના સંગઠનની સ્થાપના કરી ! ભગતસિંહ સંગઠનના માધ્યમથી રાષ્ટ્રસેવા સાથે દેશમાં સ્વતંત્રતા માટે ચાલતી તમામ પ્રવૃત્તિઓ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા . ભગતસિંહ પાસે સ્વતંત્રતા સંગ્રામના કાર્ય માટે બે માર્ગો હતા એક ગાંધીજી પ્રેરિત અહિંસાનો માર્ગ અને બીજો સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ .ભગતસિંહ ને જાત અનુભવે એમ જણાયું કે ” સશસ્ત્ર ક્રાંતિ જ સ્વતંત્રતા મેળવવાનો એકમાત્ર રસ્તો છે.” તેઓ ચંદ્રશેખર આઝાદના સંપર્કમાં આવ્યા અને એમની સાથે જોડાયા . કાકોરી કાંડમાં યુવા ક્રાંતિકારીઓ રામપ્રસાદ “બિસ્મિલ” સાથે ચાર ક્રાંતિકારીઓ ને આપવામાં આવેલી મૃત્યુ દંડની સજા અને બીજા ૧૬ ક્રાંતિકારીઓને આપવામાં આવેલી આજીવન કારાવાસની સજાથી ભગતસિંહના હ્ર્દયમાં લાગેલી સ્વરાષ્ટ્ર્ની આગ માં ઘી હોમાયું ! તેમણે અંગ્રેજો સામેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ને વધારે વેગ આપ્યો . ચંદ્રશેખર આઝાદના હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સંગઠન જે દેશ માટે સેવા , ત્યાગ અને બલિદાનથી સ્વતંત્રતા મેળવવા માટેના સિદ્ધાંતો ઉપર કાર્ય કરતું હતું એમાં ભગતસિંહની સક્રિયતા વધી અને ભગતસિંહે રાજ્યગુરુની સાથે મળી ને ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ ના દિવસે લાહોરમાં અંગ્રેજ અધિકારી સાંડર્સન ને ગોળીઓથી વીંધી નાખ્યો એ પછી તેઓ વેશપલટો કરીને હોશિયારીપૂર્વક છુપાતા રહ્યા ! અને ૮ એપ્રિલ ૧૯૨૯ ના દિવસે બહેરી અંગ્રેજ સરકારના કાન ખોલવા માટે અને સ્વરાષ્ટ્રનો યુવા આવાજ અને મિજાજ સંભળાય એ માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સાથે મળીને બ્રિટિશ ભારતની સંસદમાં બૉમ્બ ફેંકી ધડાકો કર્યો અને અંગ્રેજ સરકારને સ્વરાષ્ટ્ર નો સંદેશો આપતી પત્રિકાઓ ઉછાળીને સામેથી ધરપકડ વહોરી. ” ઇંકલાબ જિંદાબાદ , સામ્રાજ્યવાદ મુર્દાબાદ ” નો રાષ્ટ્રીય નારો બુલંદ કર્યો. આ તમામ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ભગતસિંહ અને એમના સાથીઓ પર અદાલતના કેસો ચાલ્યા અને ૨ વર્ષ માટેની સખ્ત કેદ થઇ જેલમાં પણ અંગ્રેજોના કેદીઓ સાથે ના અમાનવીય વ્યહાર સામે ભૂખ હડતાળના શસ્ત્રથી તેઓ ઝઝૂમ્યા ! ભગતસિંહે તેમના જેલવાસ દરમિયાન પણ રાષ્ટ્રકલ્યાણ અને આત્મકલ્યાણ માટે વાંચન ચિંતન મનન લેખન કર્યું સ્વરાષ્ટ્ર માટેના પ્રેરક લેખો લખ્યા એમણે એ સમયે જેલમાંથી બટુકેશ્વર દત્ત ને એક પત્ર લખ્યો જેનો થોડો અંશ જોઈએ તો
“બટુકેશ્વર , મને ફાંસીનો દંડ મળ્યો છે પરંતુ તમને આજીવન કરાવાસનો દંડ મળ્યો છે. તમે જીવતા રહેશો અને તમારે જીવીને દુનિયાને એ બતાવવાનું છે કે ક્રાંતિકારી પોતાના આદર્શો ને કારણે મરતા નથી પરંતુ જીવિત રહી ને તમામ મુસીબતો નો મુકાબલો કરી શકે છે . મૃત્યુ સાંસારિક કઠણાઈઓ થી મુક્તિ મેળવવા નું સાધન નથી પરંતુ જે ક્રાંતિકારી સંયોગથી ફાંસી ના માંચડે લટકતા બચી ગયા છે એમણે જીવીત રહીને દુનિયા ને એ બતાવી દેવાનું છે કે સ્વરાષ્ટ્રના આદર્શો માટે જેમ ક્રાંતિકારી ફાંસીના માંચડે ચઢી શકે છે એમ આજીવન કારાવાસ માં ક્રાંતિકારી જેલો ની અંધકારપૂર્ણ કોઠીઓ માં અંગ્રેજોના અસહ્ય અત્યાચાર ને પણ સહન કરી શકે છે ..!!” આવો ખુમારી ભર્યો પત્ર એમણે એમના સાથી બટુકેશ્વર દત્તને જેલમાંથી લખ્યો હતો. ભગતસિંહ અને એમના સાથીઓ ની જેલમુક્તિ અને સજામુક્તિ માટે દેશના આગેવાનોએ અને દેશની જનતાએ પણ અનેક તર્કો સાથે પ્રયત્નો કર્યા આંદોલન કર્યા પણ ભગતસિંહના અંતરઆત્માનો એક જ અવાજ હતો કે એમની સજામાફી ના થાય અને સ્વરાષ્ટ્ર માટે તેઓ પોતાના પ્રાણોની આહુતિ આપે એમની આ અંતિમ ઈચ્છા ૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે પુરી થઇ ..અને આ સ્વરાષ્ટ્ર માટે ઝઝૂમતો યુવાવીર માત્ર ૨૩ ૨૪ વર્ષની ઉંમરે માં ભારતીના ખોળે શહીદીની ચાદર ઓઢી કાયમ માટે સમર્પિત થઈ ગયો આજે પણ ભારતની જનતા ભગતસિંહ ને “આઝાદી ના દીવાના” તરીકે યાદ કરે છે અને ભગતસિંહ ના જીવનમાંથી યુવાહીન્દ રાષ્ટ્રસમર્પણ ના પાઠ લે છે ! સ્વરાષ્ટ્ર માટે યુવાનીમાં જ માં ભારતીના ચરણે સમર્પિત આ યુવા રાષ્ટ્રરત્નને અનેક અનેક સલામ …!!!