વરુણ ગાંધીનું નિવેદન: “સંજય ગાંધીનો પુત્ર છું, આવા લોકોથી બૂટની દોરી ખોલાવડાવું છું – કોઈ મોનુ-ટોનૂથી ડરવાની જરૂર નથી”
સુલ્તાનપુર: યુપીની સુલ્તાનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પોતાની માતા મેનકા ગાંધી માટે જાહેરસભા કરવા પહોંચેલા વરુણ ગાંધીએ એક નિવેદન આપ્યું છે, જે હવે સોશયલ મીડિયાપર વાઈરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યુ છે કે એક ગામના લોકો ઘણાં ડરેલા હતા અને જણાવી રહ્યા હતા કે સાંજના સમયે ધમકીઓ આવે છે. લોકોને માર મારવામાં આવે છે. મે કહ્યુ કે બસ ભગવાનથી ડરો. આ મોનૂ-ટોનૂ તો એવી રીતે પાછળ આવતા જશે જેમ કે ગાજર-મૂળા માર્કેટમાં હોય છે. ગત વખતે લોકસભાની ચૂંટણીમાં એક આ બૂટની દોરી ખોલતો હતો અને બીજો આ બૂટની દોરી ખોલતો હતો. મારી વાત યાદ રાખજો.
વરુણ ગાંધીએ કહ્યુ છે કે હું સંજય ગાંધીનો છોકરો છું અને આવા લોકોથી બૂટની દોરી ખોલાવું છું. મહત્વપૂર્ણ છે કે સપા-બસપા ગઠબંધનના ઉમેદવારનું નામ ચંદ્રભદ્રસિંહ ઉર્ફે સોનૂ સિંહ છે, જ્યારે તેમના ભાઈનું નામ મોનૂ સિંહ છે.
વરુણ ગાંધીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા સુલ્તાનપુરની ઓળખ હતી કે તમે અમેઠીના પડોશી છો. મારા આવ્યા બાદ હવે તમે જ્યાં જાવો લોકો કહે છે કે વરુણ ગાંધીવાળું સુલ્તાનપુર. આ ઓળખ હવે વધુ મશહૂર થવાની છે.
વરુણ ગાંધી આ વખતે પીલીભીતથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમના માતા મેનકા ગાંધી સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે ભાજપે બંને બેઠકોને માતા-પુત્ર વચ્ચે અદલ-બદલ કરી છે. પહેલા વરુણ ગાંધી સુલ્તાનપુર અને મેનકા ગાંધી પીલીભીતથી ચૂંટણી લડતા હતા.