ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પહાડોના ધસી પડવાનો ઘટનાક્રમ ચાલુ છે. મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ રાજમાર્ગ પર નીર ગડ્ડૂ પાસે ભૂસ્ખલન થયું છે. તેના કારણે માર્ગ બંધ થઈ ગયો છે. આ ઘટના બાદ રાહત અન બચાવ કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ બંધ થવાને કારણે લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાના કારણે ઘણા જિલ્લામાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત છે. તેને જોતા રાજ્યમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભૂસ્ખલનના કારણે ગંગોત્રી હાઈવે બાધિત થયો છે. ચમોલી જીલ્લામાં બે મકાનો અને બે ગૌશાળાઓ વરસાદના કારણે જમીનદોસ્ત થઈ ચુકી છે. સદનસીબે બંને મકાનોમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિની ઘટના ટળી છે. હવામાન વિભાગે લોકોને ઉપરી વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે.
ચારધામ યાત્રાના સંવેદનશીલ સ્થાનો પર એસડીઆરએફ 24 કલાક એલર્ટ પર રહેશે. તેના માટે 30 ટુકડીઓને 63 સ્થાનોની જવાબદારી આપવામાં આવી છે. ટીમ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને આફત નિવારણ કંટ્રોલ રૂમ સાથે તાલમેલ રાખી રહી છે. માહિતી મળ્યા બાદ ટીમ આફતમાં ફસાયેલા લોકોની મદદ માટે પહોંચી જાય છે.
ચારધામ યાત્રા રુટ અને તેની સાથેના વિસ્તારોમાં મોનસૂનનો વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. વરસાદને કારણે સડક બંધ થવાની સાથે ભૂસ્ખલન, જમીન ધસી પડવી, નદીમાં પૂર જેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. તેને જોતા આફત નિવારણ પ્રબંધનને એલર્ટ કરવામાં આવ્યું છે.
એસડીઆરએફના આઈજી સંજય ગુંજ્યાલે ક્હ્યુ છે કે હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે ટુકડીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જરૂરત પડે સંવદેનશીલ વિસ્તારોની નજીક સુરક્ષિત સ્થાનો પર રાહત કેમ્પો લગાવવામાં આવી રહ્યા છે. લગભગ 30 ટુકડીઓ રાજ્યભરમાં તેનાત કરવામાં આવી છે. આગમચેતીના પગલા તરીકે વધારાની ટુકડી પણ મદદ માટે રિઝર્વમાં રાખવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણી બાદ આફત પ્રબંધન વિભાગે તમામ જિલ્લાઓ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેથી સ્થાનિક લોકો અને યાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં.