તાલિબાનો સાથે અમેરિકાની વાટાઘાટો, ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં “કાચું કાપશે” તો ભારતને થશે મોટું નુકસાન
- આનંદ શુક્લ
9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલકાયદાના ઈસ્લામિક આતંકવાદીઓના હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો અને ઓસામા બિન લાદેનના આતંકી તંત્રને ઉખાડી ફેંકવા માટે 2001માં જ યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધને દોઢ દશકથી વધારે સમય વીતી ગયો છે. પરંતુ અફઘાનિસ્તાનની સત્તામાં રહેલી સરકારનું પ્રભુત્વ દેશના માત્ર 57 ટકા વિસ્તારોમાં છે. બાકીના 43 ટકા અફઘાનિસ્તાનમાં તાલિબાન અને આઈએસઆઈએસ સહીતના ઈસ્લામિક આતંકી જૂથોનું વર્ચસ્વ છે.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સમર્થિત ઈસ્લામિક આતંકીઓ અને ગ્લોબલ જેહાદી ટેરરિસ્ટ નેટવર્કના અસ્તિત્વને કારણે માત્ર તેની શાંતિ અને સ્થિરતા સામે જ જોખમ નથી. આ જોખમ તેનાથી આગળ દક્ષિણ એશિયા અને તેને કારણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સામે પણ મોટો પડકાર છે.
અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનની સ્થિરતાને પોતાની વિદેશ નીતિનું મુખ્ય લક્ષ્ય ગણવામાં આવતી હતી. ત્યારથી રાજકીય, આર્થિક અને પ્રાદેશિક સ્તરે સ્થિર અફઘાનિસ્તાન અમેરિકાની વિદેશ નીતિની પ્રાથમિકતા છે.
પરંતુ અમેરિકાનું ટ્રમ્પ વહીવટી તંત્ર હવે પોતાની નીતિમાં પરિવર્તન ચાહે છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી લડતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિની વાત કરતા અમેરિકન સૈનિકોને ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી પાછા લાવવાની મનસા વ્યક્ત કરી હતી.
ટ્રમ્પના આવા વાયદાને બે દશકાઓથી ચાલી રહેલી બે લડાઈમાં થાકી ગયેલા અમેરિકાના લોકોએ ઘણું સમર્થન આપ્યું હતું. આની પાછળનું કારણ રાજકીય સત્તા ઘરઆંગણે વધારે ધ્યાન આપે. હવે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની બીજી ચૂંટણી પહેલા પોતાનો વાયદો પુરો કરીને પોતે કંઈક કરી દેખાડયું હોવાનું અમેરિકાના લોકોને બતાવવા માંગે છે. જેને કારણે ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાની નીતિમાં ઉતાવળમાં એક નિર્ધારીત ટાઈમ ફ્રેમમાં પરિવર્તન કરવા માંગે છે.
તાલિબાનની આતંકી પ્રવૃત્તિ અને માનસિકતા બામિયાનની બૌદ્ધ પ્રતિમાના ધ્વસ્ત કરવાથી માંડીને અફઘાનિસ્તાનમાં ઈસ્લામના નામે કરવામાં આવેલી કત્લેઆમ થકી દુનિયાની સામે છે. તાલિબાનો સોવિયત સેના સામે લડનારા મુજાહિદ્દીનોનું નવું સ્વરૂપ પણ છે. તાલિબાનોને સોવિયત સેનાની વાપસી બાદ અફઘાનિસ્તાનની સત્તા કબજે કરવા માટે પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ સીધું સમર્થન પણ આપ્યું હોવાનું દુનિયાના ધ્યાનમાં છે. આવા સંજોગોમાં અમેરિકા જે તાલિબાનો સામે વર્ષોથી લડતું રહ્યું, જે તાલિબાનોએ ડબલ્યૂટીસીના હુમલામાં સામેલ અલકાયદાને પાળ્યું-પોષ્યું તેની સાથે અમેરિકા હવે શાંતિ માટેની વાટાઘાટો કરી રહ્યું છે. અમેરિકા હવે અફઘાનિસ્તાનના રાજકીય માળખામાં તાલિબાન સ્વરૂપે આતંકવાદને સામેલ કરવા માટેની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકા અને તાલિબાન વચ્ચે આના સંદર્ભે સાત તબક્કાની વાતચીત થઈ ચુકી છે અને આગળ પણ કેટલીક શરતોના આધારે વાતચીત ચાલુ રાખવામાં આવી છે. આમા છેલ્લે પરિણતિ તાલિબાનોને અફઘાનિસ્તાનના સરકારી તંત્ર અને રાજકીય માળખામાં સામેલ કરવાની આવે તેવી શક્યતા છે.
આમ કરીને અમેરિકા કહી શકશે કે અફઘાનિસ્તાનમાં અલગ-અલગ જૂથોમાં રાજકીય સુલેહ થઈ ચુકી છે. પ્રવર્તમાન રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘની અને તેમના પહેલા સત્તામાં રહેલા રાજકીય જૂથો અત્યાર સુધી તાલિબાનોની વિરુદ્ધ હતા.
તાલિબાનોના સતત ચાલી રહેલા આતંકી હુમલાથી એક બાબત સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાનના એક મોટા ભાગ પર તેનું નિયંત્રણ છે અને તેને લશ્કરી રાહે હરાવી શકાય તેમ નથી. માટે રાજકીય સમાધાન દ્વારા તેમને સરકારી તંત્ર અને માળખામાં જગ્યા કરી આપવામાં આવે. આનું પરિણામ ઈસ્લામિક આતંકવાદના સ્ત્રોત તાલિબાનો સત્તામાં આવશે, તાલિબાનોની નીતિઓને લાગુ થતા જોવામાં આવશે અને તેમાં અંતિમવાદી ઈસ્લામિક એજન્ડાના ઘણાં અંશો જોવા મળશે. આની વ્યાપક અને સીધી અસર પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહક તંત્ર પર પડશે.
કઈ શરતોના આધારે તાલિબાનોને સત્તામાં લાવવામાં આવશે, તેની સ્પષ્ટતા હજી થઈ નથી. પરંતુ થોડો ભરોસો અમેરિકા અને થોડી ખાત્રી તાલિબાનો આપશે. આમા તાલિબાને અફઘાન જૂથોની વચ્ચે વાતચીત અને પોતાના તરફથી સંઘર્ષવિરામની વાત કહી છે.
તાલિબાનોનું પહેલા કહેવું હતું કે અફઘાન સરકાર કઠપૂતળી છે અને તેનું અસલી નિયંત્રણ અમેરિકા દ્વારા થાય છે. માટે તેઓ અમેરિકા સાથે જ વાતચીત કરશે. પરંતુ હવે તાલિબાનોએ પોતાનું વલણ બદલ્યું છે. અમેરિકા મોટાભાગે એવી ગેરેન્ટી લેશે કે અફઘાનિસ્તાનની જમીન અમેરિકા વિરુદ્ધ વાપરવામાં આવશે નહીં.
અફઘાનિસ્તાનમાં રાજકીય પ્રક્રિયાનો પ્રારંભ થવાની શક્યતા વચ્ચે સરકારમાં આવ્યા બાદ તાલિબાનોનું વલણ બદલાશે કે યથાવત રહેશે, તેને લઈને આશંકાઓ છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાનોને રોકનાર કોઈ નહીં હોય અને તે દક્ષિણ એશિયાના દેશોની સૌથી મોટી ચિંતા હશે.
અફઘાનિસ્તાનની તાલિબાનોની સરકારના ગયા બાદ અને 2001માં અમેરિકાના અહીં આવ્યા બાદ એક નવી રાજકીય પ્રક્રિયા શરૂ થઈ હતી. ભારતે અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. ભારતે આર્થિકની સાથે રાજકીય અને કૂટનીતિક રોકાણ પણ મોટા પ્રમાણમાં કર્યું છે. અફઘાન નેશનલ આર્મી, અફઘાની રાજદ્વારીઓ, બ્યૂરોક્રેટ્સ અને બાકીના પ્રોફેશનલ્સને ભારત તાલીમબદ્ધ કરી રહ્યું છે. ભારતે તેના માટે સંસદની ઈમારત, બંધ, સડકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. અફઘાનિસ્તાનમાં ભારતની છબી ઘણી સકારાત્મક છે અને લોકો ભારતને પસંદ કરે છે.
પરંતુ હવે અમેરિકા, રશિયા, ચીન અને પાકિસ્તાન દ્વારા તાલિબાનો સાથેની વાતચીતની પ્રક્રિયામાં બની રહેલા સમીકરણોમાં ભારતની ભૂમિકા પહેલા જેવી નહીં રહે તેવા સંકેતો સાંપડી રહ્યા છે. તાલિબાનોને ભારત માન્યતા આપતું નથી. ભારત કહી રહ્યું છે કે તાલિબાન પોતાના ઈસ્લામિક એજન્ડામાંથી બહાર નીકળી શકે તેમ નથી.
તાલિબાનોના અફઘાનિસ્તાનના સરકારી તંત્રમાં સામેલ થયા બાદ આખા દક્ષિણ એશિયાના ઈસ્લામિક આતંકના તંત્રમાં જોશ વધી જશે. 1996માં તાલિબાનો અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા હતા. ત્યાર બાદ કાશ્મીરમાં આતંકવાદમાં વધારો થયો હતો. પહેલા સોવિયત રશિયા અને હવે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ભાગી શકે છે, તો પોતે અન્ય દેશોની સામે પણ જીતી શકે છે તેવો દમ પણ તાલિબાનો અને જેહાદી નેટવર્ક મારવા લાગશે.
તાલિબાનો સાથેની કથિત વાટાઘાટોની પ્રક્રિયામાં પાકિસ્તાનનું મહત્વ એકાએક વધી ગયું છે. પાકિસ્તાન, અમેરિકા માટે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અમેરિકા બોલાવ્યા છે. આના દ્વારા ટ્રમ્પ રાજદ્વારી સંદેશ આપી રહ્યા છે કે અફઘાનિસ્તાન માટે પાકિસ્તાન મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે ઓગસ્ટ – 2017માં જે નીતિ શરૂ કરી હતી, તેમાં દક્ષિણ એશિયામાં ભારતને મહત્વ આપવામાં આવ્યું હતું.
પરંતુ આમા અમેરિકા દ્વારા પાકિસ્તાનને કેન્દ્રીય ભૂમિકામાં લાવવાની શક્યતાઓ વચ્ચે પરિવર્તનના અણસાર વર્તાય ચુક્યા છે, કારણ કે પોતાના આકા પાકિસ્તાન વગર તાલિબાનો વાટાઘાટોને આગળ વધારવાના નથી. પાકિસ્તાનની વધતી ભૂમિકા ભારત માટે મુશ્કેલીઓ વધારનારી અને પ્રાદેશિક સમીકરણો વિખનારી છે.
ભારતે પણ પોતાનું વલણ થોડાક અંશે બદલ્યું છે. તાલિબાનોનો પક્ષ મજબૂત થતો દેખાઈ રહ્યો છે અને તેને જોતા ભારતે પણ કેટલીક બેક-ચેનલ ડિપ્લોમસીની વાતચીત કરી છે. ચીનની પણ આમા ભૂમિકા છે. તાલિબાનનો મુલ્લા બરાદર થોડાક સમય પહેલા ચીન ગયો હતો. ત્યાં ચીને તાલિબાનો પર વાતચીત માટે દબાણ નાખ્યું હોવાની શક્યતા છે. શાંતિ પ્રક્રિયાના નામે આગળ વધતી વાટાઘાટો ઝડપથી આગળ વધશે, તો અમેરિકાની રવનાગી બાદ અહીં ચીનની ભૂમિકા વધી જવાની છે. ભારત અફઘાન શાંતિ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે બહાર છે. માટે અમેરિકાના ગયા બાદ તાલિબાનો સત્તામાં આવશે, તો તેવી સ્થિતિમાં ભારતના હિતો જોખમાવાની શક્યતા છે.
એક અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનનો લગભગ 57 ટકા હિસ્સો સરકારના નિયંત્રણમાં છે. જ્યારે 15 ટકા ભાગ તાલિબાનોની પાસે છે. બાકીના ભાગમાં બંને વચ્ચે લડાઈ ચાલુ છે. મુશ્કેલી એ છે કે અફઘાન નેશનલ આર્મી હજી સુધી મજબૂત થઈ શકી નથી. તેને આજે પણ અમેરિકાની જરૂરત છે. સમસ્યા છે કે અફઘાનિસ્તાન પોતાના દમ પર તાલિબાનોનો સામનો કરવા માટે તૈયાર થઈ શક્યું નથી. તો તાલિબાનોને પાકિસ્તાન મદદ કરી રહ્યું છે.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીને કારણે ડોનાલ્ડ ટ્રમ્પને ઉતાવળ છે. પરંતુ તાલિબાનોને આવી કોઈ ચૂંટણી લડવાની નથી અને માટે તેમને આવી કોઈ ઉતાવળ નથી. આમ પણ બંનેના દ્રષ્ટિકોણો અલગ છે અને તેમા તાલિબાનો ખુદને વધારે સશક્ત મહેસૂસ કરી રહ્યા છે. તાલિબાન આગળ રાહ પણ જોઈ શકે છે અને લડાઈ પણ ચાલુ રાખી શકે છે.
અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના વધતા પ્રભાવ વચ્ચે તાલિબાનો સાથે રશિયાની બેક-ચેનલ ડિપ્લોમસી ચાલુ છે. રશિયા પણ તાલિબાનો સાથે વાટાઘાટોની શાંતિ પ્રક્રિયાને લઈને રાજી છે. આવા સંજોગોમાં તાલિબાનોની અફઘાનિસ્તાનના સરકારી તંત્રમાં વાપસી એક રીતે દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતા સામે ખતરો અને ભારતના હિતો સામે જોખમકારક છે.