નવી દિલ્હી: અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની ત્રણ દિવસની મુલાકાતે રાજધાની નવી દિલ્હી પહોંચ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
તેના પછી પોમ્પિયો સાઉથ બ્લોકમાં ભારતના એનએસએ અજીત ડોભાલ સાથે મુલાકાત કરી રહ્યા છે. માનવામાં આવે છે કે પોમ્પિયો 28 જૂને ઓસાકામાં યોજાનારી જી-20 શિખર સમિટ પહેલા આતંકવાદ અને સંરક્ષણ સહીતના ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરશે.
એનએસએ અજીત ડોભાલને મળ્યા બાદ માઈક પોમ્પિયો વિદેશ પ્રધાન એસ. જયશંકરની સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે એસ-400 મિસાઈલ અને આતંકવાદ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
ભારત અને અમેરિકા વચ્ચેના મહત્વના મુદ્દાઓ-
એસ-400 મિસાઈલ સિસ્ટમનો રશિયા સાથેનો સોદો
ઈરાન પાસેથી ઓઈલની ખરીદી પર રોકનો મામલો
એચ-1 વીઝાના નિયમો
આતંકવાદ
સંરક્ષણ સંબંધો
સત્તામાં મોદી સરકારની વાપસી બાદ અમેરિકા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને લઈને ઘણી અટકળો લગાવાય રહી છે. એક તરફ તો બંને દેશો વચ્ચે ઘણાં ઘનિષ્ઠ સંબંધોની સંભાવના વ્યક્ત થઈ રહી છે, તો બીજી તરફ કારોબારી ક્ષેત્રમાં ઘણાં પ્રકારના નવા વિવાદ માથું ઉંચકી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. અમેરિકા ચાહે છે કે ભારત ઈરાન પાસેથી ઓઈલની ખરીદી કરે નહીં. તેના સિવાય રશિયા સાથેના મોટા સંરક્ષણ સોદાથી પણ અમેરિકાનું ટ્રમ્પ વહીવટી તંત્ર નારાજ છે.