ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના દીકરા રોહિત શેખર તિવારીની શંકાસ્પદ મોતનો મામલો વધુ ને વધુ ગૂંચવાઈ રહ્યો છે. આ સંબંધે દિલ્હી પોલીસ ગઇકાલે રાતે હત્યાનો મામલો નોંધી લીધો છે. 40 વર્ષના રોહિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના નાકમાંથી લોહી વહી રહ્યું હતું.
હકીકતમાં આ મામલે પહેલેથી જ કંઇ ગરબડ જોવા મળી રહી હતી. પરિણામે, આ મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. કેસ ટ્રાન્સફર થયા પછી ક્રાઇમ બ્રાંચની એક ટીમ રોહિત શેખર તિવારીના ડિફેન્સ કોલોનીમાં આવેલા ઘરે પહોંચી. સાથે જ ત્યાં સીએફએસએલની એક ટીમ પણ બોલાવવામાં આવી છે. ઘટનાસ્થળે શોધખોળ કરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાંચ રોહિત શેખર
તિવારીના ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરી રહી છે. મળતી
માહિતી પ્રમાણે, રોહિતના ઘરમાં 7 સીસીટીવી કેમેરા લાગેલા છે. જેમાંથી 2 કામ નથી
કરી રહ્યા. કેસની તમામ તપાસ પણ હવે હત્યાના એંગલથી કરવામાં આવી રહી છે. પરંતુ
એસીપી, ક્રાઇમ આ કેસ વિશે કેમેરા સામે કંઇપણ બોલવા માટે તૈયાર નથી.
પોલીસ સૂત્રોના હવાલાથી જાણ થઈ છે કે રોહિત શેખર તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી
ચૂક્યો છે. જે પ્રમાણે રોહિતનું મોઢું દબાવીને તેની હત્યા કરવામાં આવી. બની શકે કે
તેના મોઢા પર ઓશીકું દબાવવામાં આવ્યું હોય.
કેવી રીતે થયું હતું મોત?
રોહિત શેખર તિવારી દિલ્હીમાં ડિફેન્સ કોલોનીમાં પોતાની માતા ઉજ્જવલા તિવારી સાથે રહેતો હતો, જ્યાં તે પોતાના રૂમમાં શંકાસ્પદ અવસ્થામાં મળ્યો હતો. તેને તાત્કાલિક સાકેત મેક્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ ડોક્ટર્સે તપાસ પછી તેને મૃત જાહેર કરી દીધો હતો. રોહિતના મોત પર તેની માતા ઉજ્જવલાએ કહ્યું હતું કે તેમને કોઈના પર શંકા નથી પરંતુ આ પ્રાકૃતિક જ છે. પરંતુ તેઓ એ વાતનો ખુલાસો પછીથી કરશે કે રોહિતનું મોત કઈ પરિસ્થિતિઓમાં થયું. ત્યારબાદ માતાએ રોહિતની મોતનું કારણ ડિપ્રેશન જણાવ્યું હતું.