જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. આ અભિયાન વચ્ચે શુક્રવારે પુલવામામાં સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાની ઘેરાબંધી કરી છે. આ સિવાય સુરક્ષાદળોએ અન્ય બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. શુક્રવારે સવારથી જ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી હતી. બંને તરફથી સતત ગોળીઓ વરસાવાઈ રહી હતી.
આ અથડામણ પુલવામાના બ્રોબંદિના વિસ્તારમાં થઈ હતી. જ્યાં ઈનપુટ મળ્યા બાદ સુરક્ષાદળોએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું અને વિસ્તારની ઘેરાબંધી કરી હતી.
સુરક્ષાદળો તરફથી 55મી રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને પુલવામા પોલીસે મોરચો સંભાળ્યો છે. બંને તરફથી અથડામણ દરમિયાન ગોળીઓ ચાલવાના અવાજ આવી રહ્યા છે. સેના આસાપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આતંકવાદીઓ વિરુદ્ધની સુરક્ષાદળોની કાર્યવાહી ઓપરેશન ઓલઆઉટ તરીકે ચલાવવામાં આવે છે. આ વર્ષે આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે મંગળવારે સોપોરમાં એક આતંકવાદીને સુરક્ષાદળોએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ પહેલા બુધવારે આતંકવાદીઓએ અનંતનાગમાં સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા અને ત્રણ અન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. આ અથડામણમાં સુરક્ષદળોએ એક ફિદાઈનને ઠાર કર્યો હતો.