અમદાવાદ: અમેરિકામાં કોરોનાવાયરસ અને આવનારી ચૂંટણીની અસર તો આપણે બધા જોઈ જ રહ્યા છે, અમેરિકામાં સ્થાનિક લોકોની નોકરી બચાવવા માટે ટ્રંપ પ્રશાસને H-1B વિઝા પર કડક પ્રતિબંધ મુક્યો હતો પણ હવે તેમાં ટ્રંપ પ્રશાસને ફેરફાર કર્યો છે અને વિઝા પર જે પ્રતિબંધો મુક્યા હતા તેમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.
ટ્રંપ પ્રશાસને કહ્યું કે નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેથી હવે વિઝા ધારકોને અમેરિકા આવવાની અનુમતિ આપવામાં આવશે. અમેરિકાના આ નિર્ણયનો એવા લોકોને ફાયદો મળશે, જેઓ વિઝા પર પ્રતિબંધ લાગવાના કારણે નોકરી છોડીને ગયા હતા.
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે જો H-1B વિઝા ધારક એ જ કંપની સાથે પોતાની નોકરી ફરી ચાલુ કરવા માટે પાછા આવવા માંગે છે, જેમની સાથે તે પ્રતિબંધની જાહેરાત પહેલા જોડાયા હતા, તો તેમને પાછા આવવાની અનુમતિ મળશે. આવા વિઝા ધારકો સાથે તેમના આશ્રિતો એટલે કે જીવનસાથી અને બાળકોને પણ અમેરિકા પાછા આવવાની અનુમતિ મળશે.
કોરોનાવાયરસને લઈને પણ અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોરોનાવાયરસની આ સ્થિતિમાં અમેરિકાને મદદ કરી શકે તેવા લોકોને પણ અમેરિકા આવવાની અનુમતિ આપવામાં આવશે. મહત્વનું છે કે 22 જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે આ વર્ષ માટે H-1B વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ટ્રંપના આ નિર્ણયને ખાસ કરીને ભારત માટે ઝટકો માનવામાં આવી રહ્યો હતો. કારણ કે મોટા પ્રમાણમાં ભારતના આઈટી પ્રોફેશનલ્સ અહીં કામ કરે છે. જો કે આ છૂટથી હવે તેમને થોડી રાહત જરૂર મળશે.
તે વાતમાં કોઈ શંકા નથી કે ભારતના અસંખ્ય લોકો અમેરિકામાં કામ કરી રહ્યા છે અને અમેરિકાની મોટી કંપનીઓમાં તેઓ મહત્વપુર્ણ જવાબદારી પણ નિભાવી રહ્યા છે. કોરોનાવાયરસના કારણે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની નોકરી ગઈ હતી અને તેના કારણે સ્થાનિક લોકોને નોકરી મળી રહે તે માટે ટ્રંપ પ્રશાસને વિઝાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અમેરિકામાં વસતા ભારતીયોને મત જીતવા માટે જો બાઈડને ભારતીય મૂળની મહિલાને ઉપરાષ્ટ્રપતિની ઉમેદવાર બનાવી છે અને હવે ટ્રંપ પ્રશાસને વિઝાના નિયમોમાં ફેરફાર કરીને ભારતીય લોકોના મત જીતવાનો પ્રયાસ કર્યો છે.
_VINAYAK