કાશ્મીર મામલે ચીનના યુટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા, કોંગ્રેસ બોલી- હોંગકોંગના મુદ્દે ઘેરો
- મોદી-જિનપિંગની 11-12 ઓક્ટોબરે થશે મુલાકાત
- બેઠક પહેલા કાશ્મીર પર ચીનના યૂટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા
- કોંગ્રેસે પણ સરકારને ચીનને ઘેરવા માટે કર્યા સૂચન
મમલ્લાપુરમાં મોદી-શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકના 48 કલાક પહેલા બુધવારે કાશ્મીરના મુદ્દા પર ભારત અને ચીનની વચ્ચે નિવેદનોમાં તીખાશ જોવા મળી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપંગની મુલાકાત બાદ બીજિંગના આ નિવેદન પર નવી દિલ્હી તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જેમા કાશ્મીર મામલા સાથે સંબંધિત યુએન ચાર્ટર પ્રમાણે તેના સમાધાનની વાત કહેવામાં આવી હતી. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે તે પોતાના આંતરીક મામલામાં આવા પ્રકારની ટીપ્પણીનું સ્વાગત કરતું નથી. આ ઘટનાક્રમ વચ્ચે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે ભારત સરકારને કહ્યું છે કે તેઓ પણ હોંગકોંગમાં લોકશાહી સમર્થક દેખાવો, ઉઈગર મુસ્લિમો પર અત્યાચાર અને દક્ષિણ ચીન સાગર જેવા મુદ્દાઓને ઉઠાવીને ચીનને ઘેરે.
કાશ્મીર અભિન્ન અંગ, આંતરીક મામલાથી રહો દૂર: ભારત
જમ્મુ-કાશ્મીરના વિવાદને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો પ્રમાણે ઉકેલવાના ચીનના સૂચન પર સવાલ કરવામાં આવતા, તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે ભારતે હંમેશા અને સ્પષ્ટ વલણ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અમારું અભિન્ન અંગ છે. ચીન પણ અમારા વલણથી વાકેફ છે. ભારતના આંતરીક મામલા અન્ય દેશોની ટીપ્પણી માટે નથી.
જિનપિંગની ભારત મુલાકાતના ગણતરીના કલાકો પહેલા આ મુદ્દાઓ પર કોઈ નરમાશ નહીં દાખવવા મામલે તેમણે કહ્યુ છે કે અમે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની મુલાકાત સાથે જોડાયેલા અહેવાલને જોય છે, તેમાં કાશ્મીર પર પણ તેમની ચર્ચાનો ઉલ્લેખ છે.
શિનજિયાંગ અને હોંગકોંગ પર ચીનને ઘેરવાનું કોંગ્રેસનું સૂચન
શી જિનપિંગના આ નિવેદન પર કે તે કાશ્મીર પર નજર રાખી રહ્યા છે, તેના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ સરકારને સવાલ કર્યો છે કે તેઓ હોંગકોંગના દેખાવો અને શિનજિયાંગમાં માનવાધિકારોના ઉલ્લંઘન પર ચીનને કેમ ઘેરી રહી નથી. તિવારીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે શી જિનપિંગ કહે છે કે તેઓ કાશ્મીર પર નજર રાખી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન અને વિદેશ મંત્રલાય કેમ એ કહેતું નથી કે- 1. અમે હોંગકોંગમાં લોકશાહી સમર્થક વિરોધ પ્રદર્શનોના દમમને જોઈ રહ્યા છીએ. 2. અમે શિનજિયાંગમાં માનવાધિકારોના ઉલ્લંઘનને જોઈ રહ્યા છીએ. 3. – અમે તિબેટમાં સતત થઈ હેલા અત્યાચારને જોઈ રહ્યા છીએ. 4. – અમે સાઉથ ચાઈના સીને જોઈ રહ્યા છીએ.
ચીન હોંગકોંગમાં મહીનાઓથી ચાલી રહેલા લોકશાહી સમર્થક પ્રદર્શનોનું દમન કરી રહ્યું છે. તેના સિવાય ચીનના શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર બેફામ અત્યાચાર કરાઈ રહ્યો છે. લગભગ 10 લાખ ઉઈગર મુસ્લિમોને ડિટેન્શન કેમ્પોમાં નાખીને યાતનાઓ અપાઈ રહી છે. તેમની મસ્જિદો અને કબ્રસ્તાનોને પણ તોડવામાં આવી રહ્યા છે. દાઢી રાખવા અને કુરાન પઢવા પર પણ ચીને પ્રતિબંધ લગાવ્યો છે. તેના કારણે અમેરિકાએ તાજેતરમાં ચીનની 28 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. આ કંપનીઓ ઉઈગર મુસ્લિમો પર નજર રાખવામાં મદદ કરી રહી છે.
ચીનનો યૂટર્ન
કાશ્મીર પર ચીનનું બુધવારનું નિવેદન તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગના મંગળવારના એ નિવેદનથી વિરોધાભાસી છે કે જેમાં તેમણે કહ્યુ હતુ કે મામલાને નવી દિલ્હી અને ઈસ્લામાબાદે મળીને ઉકેલવો જોઈએ. ઈમરાન ખાન સાથેની મુલાકાત બાદ પણ જિનપિંગે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્થિતિ ચાહે ગમે તેટલી પણ બદલાય જાય, ચીન અને પાકિસ્તાનની દોસ્તી અતૂટ અને અડિખમ રહેશે. બંને દેશોની વચ્ચે સહયોગ હંમેશા મજબૂત રહેશે.
ચીનની સરકારી ટેલિવિઝન ચેનલ સીસીટીવીએ કહ્યું છે કે જિનપિંગે ઈમરાનખાનને કહ્યુ છેકે કાશ્મીરમાં પરિસ્થિતિ સારી છે કે ખરાબ, તે સ્પષ્ટ છે. ચીન પાકિસ્તાનના કાયદેસરના અધિકારો અને હિતોની સુરક્ષાનું સમર્થન કરે છે અને આશા કરે છે કે સંબંધિત પક્ષ વિવાદને શાંતિપૂર્ણ વાતચીત દ્વારા ઉકેલી શકે છે.
ચીને કહ્યું છે કે તે એવી કોઈપણ એકતરફી કાર્યવાહીનો વિરોધ કરે છે, જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ થાય. ચીન અને પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ભલે કાશ્મીર વિવાદને વાતચીતથી ઉકેલવાની વાત કહેવામાં આવી છે, પરંતુ તેનો ઝુકાવ ઈસ્લામાબાદ તરફ સ્પષ્ટપણે જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે સરકારી સૂત્રોનું કહેવું છે કે મોદી-જિનપિંગની બેઠક દરમિયાન ભારત કાશ્મીરના મુદ્દાને ઉઠાવશે નહીં. જો કે જો જિનપિંગ કાશ્મીર પર કેટલાક સવાલ કરશે, તો ભારત તેમને પોતાના વલણથી અવગત કરાવશે.