અમેરિકન મેગેઝીન ‘TIME’ કેવી રીતે નક્કી કરશે કે PM મોદી ‘India’s Divider in Chief’ છે કે ‘India’s Unifier in Chief’?
ભારતમાં લોકશાહીનો ઉત્સવ ચૂંટણી સ્વરૂપે પાંચ તબક્કા પુરા કરીને બે તબક્કા સાથે પૂર્ણ થવાના આરે છે. 12મી મે અને 19મી મેના રોજ બે તબક્કાના વોટિંગ થવાના છે. જ્યારે આની મતગણતરી 23 મેના રોજ પૂર્ણ થઈને પરિણામ જાહેર થવાનું છે. ભારત દુનિયાની આધુનિક લોકશાહીમાં સાત દાયકાની સફર પૂર્ણ કરી ચુક્યું છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી પણ છે.

ભારતના લોકો લોકશાહી પ્રક્રિયામાં ખૂબ જ પરિપકવ પણ થઈ ચુક્યા છે અને આ પ્રક્રિયા હજીપણ ચાલી રહી છે. ભારતમાં લોકશાહી ઢબે ભારતીય ઓળખ સાથે સંબંધિત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મુદ્દાઓને વાચા આપી શકે તેવી રાજકીય શક્તિનો ઉદય થયો અને તેને ચાર વખત દિલ્હીની ગાદીએ બેસવાની તક પણ સાંપડી છે. ભારતના લોકો 2019માં પણ કંઈક આવા જ પ્રકારનો ચુકાદો ફરમાવે તેવી પુરી શક્યતાઓને લઈને ઘણી ચર્ચાઓ જોવા મળી છે.
પરંતુ આવા સંજોગોમાં અમેરિકન મેગેઝીન ટાઈમની કવર સ્ટોરી કે India’s Divider in Chief- ને ભારતના લોકોની સમજ પર પ્રશ્નાર્થો ઉભા કરતી બાબત ગણવી જોઈએ. એક તો અમેરિકામાં દક્ષિણપંથી નેતા ડોનાલ્ડ ટ્રમ્પને શાખી નહીં શકનાર અમેરિકન મીડિયા ભારતમાં દક્ષિણપંથી નેતા તરીકેની છબી ધરાવતા નરેન્દ્ર મોદીની બીજી વખત વાપસીને પણ શાખી શકે તેમ નહીં હોવાનું ટાઈમની કવર સ્ટોરીથી દેખાઈ રહ્યું છે.
આ સ્ટોરી આતિશ તાસીરે કરી છે. જેમાં મોદીને સમાજ અને દેશને વિભાજીત કરનારા નેતા તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે 2014માં તેઓ સૌનો સાથ-સૌનો વિકાસ સૂત્ર આપીને સત્તામાં આવ્યા હતા. પરંતુ પાંચ વર્ષમાં તેમણે આ સૂત્રનો નકામું બનાવી દીધું. તેની સાથે ઈયાન બ્રેમરની પણ એક સ્ટોરી છે, જેનું શીર્ષક છે – Modi the Reformer.
મોદીને ટાઈમ મેગેઝીને પોતાની સ્ટોરીમાં સમાજ અને ભારતને વિભાજીત કરનારા નેતા તરીકે ચિત્રિત કરીને એક રીતે દક્ષિણપંથી વિચારધારાને જનતા દ્વારા મળી મહેલી રાજકીય માન્યતા સામે અણગમો જ વ્યક્ત કર્યો છે. ભારતમાં દક્ષિણપંથી રાજકીય શક્તિ ભારતના બહુમતી હિંદુઓ અને રાષ્ટ્રવાદી પ્રવાહમાં જોડાયેલા લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ કોઈ ધાર્મિક ઓળખ સાથે જોડાયેલી નાનકડી વાત નથી, આ ભારતની સંસ્કૃતિની સાથે જોડાયેલી માન્યતાઓને રાજકીય પ્રતિનિધિત્વ અને માન્યતા સાથે જોડાયેલી બાબત છે. ભારતના બહુમતી અને રાષ્ટ્રવાદી પ્રવાહ સાથે જોડાયેલા તમામ લઘુમતીઓની સમજ પર ટાઈમ મેગેઝીનને વિદેશી મીડિયા તરીકે આવી કોઈ ટીપ્પણી કરવાનો પહેલા તો કોઈ અધિકાર નથી.
આતિશ તાસીરે ગુજરાતના રમખાણો પર મોદીની કથિત ચુપકીદીને ટાંકીને લખ્યું છે કે આવી ઘટનાઓએ મોદીની હુલ્લડખોરોની ભીડના સાથી સાબિત કરી દીધા છે. તેમણે લખ્યું છે કે મોદીએ નહેરુ અને તે સમયગાળાના ધર્મનિરપેક્ષવાદ અને સમાજવાદના સિદ્ધાંતો પર પ્રહાર કર્યો અને કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી. ટાઈમની સ્ટોરીમાં મોદી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો કાયમ કરવાની ક્યારેય કોઈ મનસા જાહેર કરી નથી.
આતિશ તાસીરે ગુજરાત રમખાણો પર મોદીની કથિત ચુપકીદીને ટાંકી છે. તો 2013 અને 2014માં મોદીએ આપેલા કેટલાક ઈન્ટરવ્યૂ અને પ્રતિક્રિયાઓને જોવાની તસ્દી લીધી નથી. સદભાવના મિશનના પીએમ મોદીના ભાષણોને જોવાની પણ તેમણે કોઈ દરકાર કરી નથી. આતિશ તાસીર જે દલીલ મોદી માટે કરી રહ્યા છે, તેવી જ દલીલ તાસીર જેવા લોકો માટે ગોધરાકાંડમાં ભૂંજાઈને જીવ ગુમાવનારા 58 કારસેવકો પર ચુપકીદી સેવનારાઓ સામે પણ છે. મોદીએ જો નહેરુ અને તે સમયગાળાના ધર્મનિરપેક્ષવાદ અને સમાજવાદના સિદ્ધાંતો પર પ્રહાર કર્યો અને કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી છે, તો કથિત ધર્મનિરપેક્ષવાદ અને સમાજવાદની વાત કરનારઓએ પણ સંઘમુક્ત ભારતની વાત કરીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સમાપ્ત કરવાની આડકતરી રાજકીય વાતો ભૂતકાળમાં પણ કરી છે અને મોદી સરકારના કાર્યકાળમાં પણ કરી છે.
ધર્મનિરપેક્ષવાદ અને સમાજવાદનું થયેલું વિકૃતિકરણ અને તેમા બહુમતી રાષ્ટ્રવાદી ભારતીયોને સ્થાન નહીં આપવાના તર્કો-કુતર્કોની પણ આતીશ તાસિરે ટાઈમ મેગેઝીન થકી વાત કરી હોત, તો ભારતના ધર્મનિરપેક્ષતાવાદી અને સમાજવાદીઓના બિહામણા ચહેરાની સચ્ચાઈ પણ દુનિયાની સામે મૂકી શકાઈ હોત. તાસીરે હિંદુ મુસ્લિમ ભાઈચારા માટે કોઈ મનસા જાહેર નહીં કરવાનો પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે. પરંતુ સવાલ એ છે કે હિંદુ મુસ્લિમ ભાઈચારો કાયમ કરવો માત્ર હિંદુની અથવા માત્ર પીએમ મોદીની જવાબદારી નથી. તેના માટે તુષ્ટિકરણની રાજનીતિ દૂર કરીને જસ્ટિસ ફોર ઓલ અને અપિઝમેન્ટ ફોર નન-ના રાજકાજને પણ ચરિતાર્થ કરવાની જરૂર હતી. ટ્રિપલ તલાક જેવા મામલે થઈ રહેલા રાજકારણ પણ આતિશ તાસિર વિચારે.
સ્ટોરીમાં ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે મોદીના હાથે કોઈ આર્થિક ચમત્કાર અથવા વિકાસ થઈ શક્યો નથી. તેઓ ધાર્મિક રાષ્ટ્રવાદના ઝેરીલા માહોલને બનાવવામાં મદદગાર થયા છે. તેજસ્વી સૂર્યાના નિવેદન (તમે મોદીની સાથે છો, તો દેશની સાથે છો), ગૌરક્ષાના નામ પર ભીડ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ, ઉના દલિત કાંડ વગેરે દ્વારા પણ વડાપ્રધાન મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આવી ઘટનાઓના સમયે તેમણે સંપૂર્ણપણે ચુપકીદી સાધી રાખી હતી.
તાસીરે પોતાની સ્ટોરીમાં આર્થિક ચમત્કાર અને વિકાસ નહીં થઈ શક્યો હોવાના તર્કોને રજૂ કર્યા છે. પરંતુ જીએસટીનું લાગુ થઈ શકવું પણ એક આર્થિક ચમત્કાર છે. નવી વ્યવસ્થામાં સુધારાને અવકાશ હોય છે અને દુનિયામાં જીએસટી લાગુ થયો ત્યાં કોઈને કોઈ મુશ્કેલી જરૂરથી જોવા મળી છે. જો કે આવા દેશો ભારતની સરખામણીએ નાના હતા, તેને પણ ટાઈમ મેગેઝીનના પત્રકારે ધ્યાનમાં રાખવું જોઈએ.
ભારતનો રાષ્ટ્રવાદ ધાર્મિક નહીં સાંસ્કૃતિક છે. ગૌહત્યા કરનારા સામે સ્વાભાવિકપણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી ભારતીયની લાગણીઓ ઉશ્કેરાઈ જાય છે. આમા કેટલીક ઘટનાઓમાં હત્યા થઈ છે. પરંતુ ગૌહત્યા બંધ કરીને દેશના લોકોની લાગણીને માન આપવાની શિખામણ પણ ટાઈમ મેગેઝીનના પત્રકાર આપી શક્યા હોય. ઉના દલિત કાંડનો ઉપયોગ વડાપ્રધાન મોદી અને ભાજપના જનાધારને નિશાન કરવા માટે વધારે કરવામાં આવ્યો અને તેના પરના રાજકારણ પર પણ વિગતે વાત થવી જોઈએ.
આતીશ તાસીરે હાલની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લખ્યું છે કે ભલે મોદી ફરીથી સરકાર બનાવી લે, પંરતુ તે લોકોને તેમના સપનાનું પ્રતિનિધિત્વ હવે ક્યારેય નહીં કરી શકે કે જે તેઓ 2014માં કરતા હતા. ત્યારે તેઓ મસીહા હતા, આઝે માત્ર એવા રાજનેતા છે કે જે જનતાની આશાઓ પર ખરાં ઉતરી શક્યા નથી. આ સ્ટોરીમાં મોદી સરકાર દ્વારા તમામ મહત્વપૂર્ણ સંસ્થાઓના પ્રમુખ પસંદ કરવામાં યોગ્યતાના સ્થાને દક્ષિણપંથી વિચારધારાના થવાને પ્રાથમિકતા આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે તેમની પાસે મોદીને હરાવવાને બાદ કરતા કોઈ નક્કર એજન્ડા નથી. કમજોર વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું સદભાગ્ય હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ભારતના લોકોના સપનામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરીક ધારો છે. દેશની સુરક્ષા પણ છે અને આતંકવાદનો ખાત્મો, ગૌહત્યા પ્રતિબંધ જેવી બાબતો પણ છે. આવા સપના પુરા કરવામાં પણ પીએમ મોદી અને દક્ષિણપંથી રાજકીય શક્તિઓએ ઘણો સંઘર્ષ કરવાનો છે. એટલે ભારતના લોકોની આશાઓને જાણનાર લોકોને કોઈ શંકા નથી કે ભારતના લોકોના સપનાનું પ્રતિનિધિત્વ કોણ કરશે?
બીજી સ્ટોરી મોદી-ધ રિફોર્મરમાં વડાપ્રધાન મોદીની સિદ્ધિઓ સંદર્ભે જણાવવામાં આવ્યું છે. તેમા જણાવવામાં આવ્યું છે કે જીએસટીને કારણે મોદી સરકારને મહેસૂલ વધારવામાં સફળતા મળી, માળખાકીય સુવિધાના વિકાસ માટે તેમણે ઘણાં નાણાં ખર્ચ કરવાનો આદેશ આપ્યો છે, દેશમાં સડકો, હાઈવે, પબ્લિક ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ વગેરની સુવિધાઓને સારી કરવી વગેરે. આધાર, ઉજ્જવલા, વિદ્યુતીકરણની યોજનાઓનો પણ ઉલ્લેખ છે. તેમા કહેવામાં આવ્યું છે કે ભારતને પરિવર્તન જોઈએ, પરંતુ એ પણ સચ્ચાઈ છે કે હાલના સમયમાં મોદીને છોડીને કોઈ આમ કરતું નથી, જેનાથી આશા કરી શકાય કે તેઓ સારું કામ કરી શકશે.