15 ઓગસ્ટ પહેલા મોટા આતંકી હુમલાનો અંદેશો, કાશ્મીરમાં વણસી શકે છે પરિસ્થિતિ : સૈન્ય સૂત્ર
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ – 370ને સમાપ્ત કરવા અને લડાખ તથા જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત રાજ્ય ઘોષિત કર્યા બાદ પરિસ્થિતિ બગડવાની આશંકા બનેલી છે. આર્મી સૂત્રો પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં આને લઈને વિરોધ પ્રદર્શનોની શક્યતા છે અને પરિસ્થિતિ બગડી પણ શકે છે. એટલું જ નહીં આતંકી પોતાના નાપાક ઈરાદાને પણ અંજામ આપી શકે છે.
આર્મી સૂત્રોનું માનીએ, તો 15મી ઓગસ્ટથી પહેલા આતંકવાદી આઈઈડી બ્લાસ્ટ, ફિદાઈન એટેક કરે તેવી શક્યતા છે. જૈશ-એ-મોહમ્મદના લગભગ 5 આતંકીઓનું એક જૂથ આવા પ્રકારના હુમલાને કરે તેવી શક્યતા છે. આ આતંકી જૂથ 30-31 જુલાઈએ ભારતમાં દાખલ થયું છે.
સીમા અને નિયંત્રણ રેખા પર હાલ પાકિસ્તાન તરફથી કોઈ મોટી કાર્યવાહી અથવા સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. પરંતુ ગત એક સપ્તાહના ઘટનાક્રમો અને તે દરમિયાન આતંકી ગતિવિધિઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખતા ખતરો યથાવત છે. 23 જુલાઈ બાદથી આતંકવાદી લોન્ચ પેડ પર હથિયારબંધ દહેશતગર્દોની ગતિવિધિઓ વધી છે.
કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં સેનાના ફોર્મેશન્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સેનાના સૂત્રો પ્રમાણે, સાની ભૂમિકા માત્ર આતંકવાદ વિરોધી ઓપરેશનમાં રહેશે. જ્યારે કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું કામ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના સિરે છે.
જો જરૂરત પડશે તો સેનાની તેનાતીની પણ જરૂરિયાતને પણ પૂર્ણ કરવામાં આવશે. જો કે તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કોઈ વધારાની તેનાતી કરવામાં આવી નથી.