વાવાઝોડાં ફનીના લીધે ચૂંટણીપંચે આંધ્રપ્રદેશના 4 જિલ્લાઓમાં હટાવી આચારસંહિતા, ઓડિશામાં ઉખડ્યાં અનેક ઝાડ, 2નાં મોત
1999માં આવેલા સુપર સાયક્લોન પછી સૌથી ખતરનાક વાવાઝોડું માનવામાં આવી રહેલું ફની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગે ઓડિશામાં પુરીના કિનારે પહોંચ્યું. તેના કારણે ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું. હજારો ઝાડ અને વીજળીના થાંભલા ઉથલી પડ્યા. નીચાણવાળી વસ્તીઓમાં પાણી ભરાયા છે. જે સમયે તોફાન પુરીકિનારે અથડાયું ત્યારે 175 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હતો. કેટલીક જગ્યાઓએ 200 કિમી પ્રતિ કલાકની ગતિ સુધી પહોંચી ગયો. આ દરમિયાન 2 લોકોનાં મોત થયાં છે.
ઓડિશાના સ્ટેટ સ્પેશિયલ રીલીફ કમિશ્નર બીપી સેઠીએ કહ્યું, “હાલ હું 2 મોતની પુષ્ટિ કરી શકું છું. એક વૃદ્ધનું મૃત્યુ હાર્ટએટેકથી થયું, જ્યારે બીજો વ્યક્તિ ચેતવણી છતાં તોફાનમાં બહાર ગયો. ઝાડ પડવાથી તેનું મોત થયું.” ફની હવે બંગાળ તરફ આગળ વધ્યું છે.કોલકાતામાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ પહેલા ફની વાવાઝોડાને કારણે ચૂંટણીપંચે આંધ્રપ્રદેશના ચાર જિલ્લાઓ- પૂર્વ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી આચાર સંહિતા હટાવી દીધી છે. આ નિર્ણય રાહતકાર્યોમાં આવતી સંભવિત અડચણોના કારણે કરવામાં આવ્યો.