ટાટા મેડિકલ અને ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે કોવિડ -19 માટે નવી કોરોના ટેસ્ટ કીટ જારી કરી
- હવે ટાટા ગ્રુપની કીટથી મળશે કોરોનાને મ્હાત
- ફક્ત 90 મિનિટમાં જ મળી શકશે તપાસનું પરિણામ
- આ કીટ ડાયગ્નોસ્ટિક સેન્ટરો અને હોસ્પિટલોમાં થશે ઉપલબ્ધ
મુંબઈ: ટાટા મેડિકલ અને ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડે સોમવારે કોવિડ -19 માટે નવી કોરોના ટેસ્ટ કીટ જારી કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, તે હાલની ટેસ્ટ કીટ કરતા વધુ સરળ અને કાર્યક્ષમ છે. તેનાથી દેશભરમાં ટેસ્ટીંગની ક્ષમતામાં વધારો કરી શકાય છે. કંપનીના આ ટેસ્ટીંગનું નામ ‘ટાટાએમડી ચેક‘રાખવામાં આવ્યું છે અને તે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ અને ઇન્ટિગ્રેટિવ બાયોલોજીની ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે.
આ ટેસ્ટીંગ વ્યવસ્થાને ભારતીય તબીબી સંશોધન પરિષદ અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ કીટ દ્વારા ફક્ત 90 મિનિટમાં કોરોનાના ટેસ્ટનું પરિણામ આવી જશે.
કંપનીએ કહ્યું છે કે, આ ટેસ્ટીંગ કીટ ટૂંક સમયમાં દેશભરના ડાયગ્નોસ્ટિક સેન્ટરો અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. તે દેશભરની હોસ્પિટલો,ડાયગ્નોસ્ટિક કંપનીઓ અને રીસર્ચ લેબની સાથે વાતચીત કરી રહી છે અને તેમની સાથે ભાગીદારી કરવા તૈયાર છે. કંપની તેની ચેન્નઈની ફેક્ટરીમાંથી દર મહિને 10 લાખ ટેસ્ટ કીટ ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે તૈયાર છે.
ટાટા મેડિકલ અને ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડના સીઈઓ ગિરીશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે,અમે સંપૂર્ણ ટેસ્ટીંગ માટે ડાયગ્નોસ્ટિક્સ પ્રદાન કર્યા છે. અમે ટેસ્ટીંગને વધુ વિશ્વસનીય અને વધુ સારું બનાવ્યું છે. આ સારી ઉપલબ્ધતા અને સુલભતાની ખાતરી કરશે. આ સમગ્ર સિસ્ટમનો વિકાસ ભારતમાં જ થયો છે.
_Devanshi