ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 1 : 712માં સિંધની ગુલામીથી દિલ્હી પર મુસ્લિમ-મુઘલ શાસન અને મરાઠા પ્રભાવ સુધી
- આનંદ શુક્લ
સનાતન ભારતનો ઈતિહાસ વેદકાળથી રામાયણ-મહાભારતના યુગપરિવર્તનના રસ્તે વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરનો સામનો કરતા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યનો સાક્ષી છે. સનાતન કાળથી રાષ્ટ્ર રહેલા ભારત વર્ષને ચાણક્ય દ્વારા કરાયેલા પુન: અખંડતા પ્રાપ્તિના બીજારોપણને ચંદ્રગુપ્ત મૌર્યએ સાકાર કર્યું. તેના લગભગ એક હજાર વર્ષ સુધી ભારતની સામે શક, હૂણ, કુષાણ જેવા આક્રમણખોરો સફળ થયા નહીં અને જે સફળ થયા તેઓ ભારતના બનીને રાષ્ટ્રના સનાતન પ્રવાહનો ભાગ પણ બની ગયા. પરંતુ 636થી 1762 સુધી સતત ચાલેલા ધર્માંધ આક્રમણો સામે સંઘર્ષો અને ગુલામીનો ભારતને સૌ પ્રથમ અનુભવ થયો.
ઈસ્લામના સ્થાપક પયંગબર મોહમ્મદ સાહેબનું નિધન ઈસવી સન 632માં થયું હતું. ત્યાર બાદ ખલીફા હઝરત ઉમરના સમયથી જ ઈસવી સન 636થી ઈસવી સન 712 સુધીમાં સિંધ પર આરબોના આઠ નિષ્ફળ આક્રમણો થયા હતા. તે સમયગાળામાં અજેય સિંધના સીમાડા ખિલાફતનો વિસ્તાર કરવાના અભિયાનમાં લાગેલા સેંકડો આરબોનું કબ્રસ્તાન બની ગયા હતા. પરંતુ મુસ્લિમ શાસકોના અત્યાચારોથી નવમુસ્લિમો સિંધના રાજા દાહિરના શરણાર્થી બનવા લાગ્યા હતા. દાહિરે તેમની એક મુસ્લિમ સેના બનાવી હતી. આ સેના દાહિરની વિશ્વસ્ત સેના માનવામાં આવતી હતી. મુસ્લિમ ઈતિહાસકારો પ્રમાણે, સિંધ પર 712માં નવમું અરબી આક્રમણ 17 વર્ષની લીલી આંખોવાળા મોહમ્મદ-બિન-કાસિમે 600 ચુનિંદા સીરિયન ઘોડેસવારો સાથે કર્યું હતું. તેની પાસે પથ્થર અને વિસ્ફોટકો ફેંકનારા મશીન હતા. ઈરાકના તત્કાલિન ગવર્નર હેજ્જાજનો જમાઈ અને પિતરાઈ ભાઈ મહોમ્મદ બિન કાસિમ સિંધ જીતવામાં કામિયાબ રહ્યો હતો. દાહિર સેન સાથે તેની વિશ્વસ્ત અરબી નવમુસ્લિમોની સેનાના સેનાપતિ મોહમ્મદ વારિસે વિશ્વાસઘાત કર્યો હતો. પરંતુ દાહિર સેનના મૃત્યુ બાદ સૈકાઓ સુધી આરબોનું શાસન સિંઘ સુધી જ મર્યાદીત રહ્યું હતું.
ભારત પર બીજું ભયાનક આક્રમણ અફઘાનિસ્તાનના ગઝનીના લૂંટારા આક્રમણખોર મહમૂદ ગઝનવીએ ઈસવી સન 1000માં કર્યું હતું. ઈસવી સન 1000થી 1025 સુધી મહમૂદ ગઝનવીએ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર હુમલા સાથે કુલ 17 આક્રમણો કરીને ભારતમાં હજારો મંદિરો તોડીને કરોડો દીનારની સંપત્તિ લૂંટી હતી. પરંતુ તે ભારતમાં સ્થાયી સત્તા ભોગવી શક્યો નહીં. તેની સામે દરેક આક્રમણ વખતે સ્થાનિક ભારતીય શાસકોએ પ્રતિકાર કર્યો હતો. પરંતુ એકજૂટતાનો અભાવ અને સામાજિક સ્તરે ઉભી થયેલી વિકૃતિઓને કારણે મહમૂદ ગઝનવી તેના લૂંટ અને હત્યાઓના મિશનમાં કામિયાબ રહ્યો હતો.
ભારત પર ત્રીજું અને નિર્ણાયક આક્રમણ અફઘાનિસ્તાનના મોહમ્મદ ઘોરીએ કર્યું હતું. તેણે તરાઈના બીજા યુદ્ધમાં ઈસવી સન 1192માં દિલ્હીના શાસક પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દીધા હતા. મોહમ્મદ ઘોરી તેના ગુલામ કુતબુદ્દીન ઐબકને દિલ્હી સોંપી અફઘાનિસ્તાન પાછો ફર્યો હતો. 1206માં તેના મૃત્યુ બાદ દિલ્હીના ગુલામ વંશી શાસકો સ્વતંત્ર બન્યા હતા. ગુલામ, ખિલજી, તુઘલખ, સૈય્યકી અને લોધી વંશના શાસકોએ ભારત પર શાસન કર્યું હતું. 1526માં ફરઘાનાના બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોધી વંશી દિલ્હીના બાદશાહ ઈબ્રાહીમ લોદીને હરાવીને મુઘલરાજની સ્થાપના કરી હતી. ત્યાર બાદ ખનવાના યુદ્ધમાં મેવાડના રાણા સાંગાને પણ બાબરે હરાવ્યા હતા. બાબર બાદ તેના પુત્ર હૂમાયુંના હાથમાંથી અફઘાની વંશના શેરશાહ સૂરીએ દિલ્હી આંચકી લીધું હતું. પરંતુ હૂમાયુંના પુત્ર અકબરે ફરીથી 1556માં પાણીપત્તના દ્વિતિય યુદ્ધમાં શેરશાહ સૂરીના સેનાપતિમાંથી દિલ્હીના છેલ્લા હિંદુ શાસક બનેલા હેમુને હરાવીને કબજે કર્યું હતું.
અકબરની શહેનશાનિયતને ચિતોડના મહારાણા પ્રતાપે અણનમ રહીને ટક્કર આપી હતી. 1568માં ચિત્તોડ જીતીને અકબરે 30 હજાર રાજપૂત સૈનિકોની હત્યાનો આદેશ આપ્યો હતો. મહારાણા પ્રતાપે ઘાસનો રોટલો ખાવા સુધીના કષ્ટો વેઠીને પણ ચિતોડની આન-બાન-શાન મુઘલ શહેનશાહ અકબર સામે સમર્પિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તો 1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપે અકબરને યુદ્ધમાં ટક્કર આપી હતી. મહારાણા પ્રતાપે ચિતોડ સિવાયના મોટા ભાગના મેવાડ પર પોતાના મૃત્યુ સુધીમાં ફરીથી નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું. મુઘલ વંશના છેલ્લા પ્રભાવી ધર્માંધ શાસક ઔરંગઝેબના શાસનમાં સેંકડો મંદિરો તોડાયા, સેંકડો ધાર્મિક હત્યાઓ કરાઈ અને લાખોની સંખ્યામાં ધર્માંતરણો પણ કરાયા હતા. ઔરંગઝેબને શીખોના દસમ ગુરુ ગોવિંદસિંહજી, મરાઠા શાસક છત્રપતિ શિવાજી, ઉત્તર ભારતમાંથી છત્રસાલ તથા જાટ શાસકો તરફથી ભારે મોટા પ્રતિઆક્રમણોનો સામનો કરવો પડયો હતો. ઔરંગઝેબને મુઘલીયા સલ્તનત બચાવવા માટે મોટો સમયગાળો દિલ્હીથી દૂર ખાસ કરીને દક્ષિણ ભારતમાં ડેરો જમાવીને રહેવું પડયું હતું.
1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સલ્તનત નબળી પડવા લાગી. તો દક્ષિણના મરાઠા શાસકો અને પેશ્વાઓએ કટકથી અટક સુધી સત્તા મેળવવામાં સફળતા મેળવી હતી. પંજાબમાં મહારાજ રણજીતસિંહે છેક લડાખ અને તિબેટ સુધી શીખ સામ્રાજ્ય ઉભું કરવામાં સફળતા મેળવી હતી. દિલ્હીના મુઘલ શહેનશાહોની સત્તા લાલકિલ્લામાં પણ ચાલવી બંધ થવા લાગી હતી. રાજપૂત અને જાટો પણ મુઘલ સલ્તનતના વર્ચસ્વમાંથી સ્વતંત્ર થવા લાગ્યા હતા. ત્યારે અફઘાનિસ્તાનથી 1739માં નાદિર શાહે દિલ્હી પર આક્રમણ કરીને કત્લેઆમ ચલાવી હતી. તો 1761માં નાદિર શાહના સેનાપતિ અહમદશાહ અબ્દાલી અને મરાઠા પેશ્વા બાલાજી બાજીરાવની સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. જેમાં વિશ્વાસરાવ અને સદાશિવરાવ જેવા મહાન સેનાપતિઓ તથા એક લાખથી વધુ સૈનિકો ગુમાવીને મરાઠા સેનાને કારમી હાર ખમવી પડી હતી. પરંતુ ત્યાર બાદ અબ્દાલીના અફઘાનિસ્તાનમાં પાછા ફર્યા બાદ મરાઠાઓએ ફરીથી દિલ્હી સુધી પોતાની સત્તાનો પ્રભાવ મહાદજી સિંધિયા જેવા મરાઠા શાસકોના આધારે જમાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જેના કારણે નબળા મુઘલ શહેનશાહની સત્તા લાલકિલ્લા સુધી મર્યાદીત થઈ ગઈ હતી.