એરસેલ-મેક્સિસ ડીલ મામલે સીબીઆઇ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પરનો સ્ટે હવે 6 મે સુધી વધારી દીધો છે. બંનેની ધરપકડ હાલ પૂરતી ટળી ગઈ છે. સીબીઆઇ અને ઇડીએ એકવાર ફરી કાર્તિ અને ચિદમ્બરમના આગોતરા જામીનનો વિરોધ કર્યો અને કસ્ટડીની માંગ કરી. જોકે ઇડીએ કોર્ટ પાસે કેટલાક વધુ પુરાવાઓ ભેગા કરવા માટે સમય માંગ્યો. જે પછી કોર્ટે મામલાની સુનાવણી 6 મે સુધી ટાળી દીધી છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટ આ સમયે કાર્તિ અને પી ચિદમ્બરમની આગોતરા જામીનની અરજી પર સુનાવણી કરી રહી છે અને આ જામીનનો ઇડી અને સીબીઆઇ વિરોધ કરી રહ્યા છે. ઇડી અને સીબીઆઇનું કહેવું છે કે તેને તપાસ આગળ વધારવા અને આરોપીઓની પૂછપરછ કરવા માટે કસ્ટડી જોઈએ છે. એવામાં આરોપીઓની ધરપકડ પર લગાવવામાં આવેલા સ્ટેને હટાવવામાં આવે. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે અત્યાર સુધી સરકારી પરવાનગી ન લેવા પર તપાસ એજન્સી સીબીઆઇ અને ઇડીને ઠપકો આપ્યો હતો.
કોર્ટે ઠપકો આપતા કહ્યું હતું કે જો મામલાની આગામી સુનાવણી સુધી ચાર્જશીટમાં દાખલ નામો વિરુદ્ધ સરકાર પાસેથી કાર્યવાહી માટે પરવાનગી ન મળી તો કોર્ટ તપાસ એજન્સીઓ તરફથી દાખલ ચાર્જશીટની નોંધ નહીં લે. પાછલી સુનાવણીમાં પી ચિદમ્બરમ પર કેસ ચલાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી. પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ઇડી અને સીબીઆઇ તરફથી દાખલ ચાર્જશીટ પર પટિયાલા હાઉસકોર્ટે સુનાવણી કરવાની છે.