બીજાપુર: સમાજવાદી પાર્ટીના નેતા સંતોષ પુનેમાની નક્સલીઓએ ઘરેથી અપહરણ કરીને હત્યા કરી છે. બાદમાં લાશને સડક પર ફેંકી દીધી હતી. આ ઘટના મંગળવારે મોડી સાંજની છે. સંતોષ ગત વર્ષ વિધાનસભા ચૂંટણી બીજાપુર બેઠક પરથી લડયા હતા અને હાર્યા હતા.

જણાવવામાં આવે છે કે આ વિસ્તારમાં સડક નિર્માણની કામગીરીને લઈને સંતોષ પુનેમા નક્સલીઓના નિશાના પર હતા.
બીજાપુરના એસપી દિવ્યાંગ પટેલે કહ્યુ છે કે મંગળવારે સંતોષ પોતાના પૈતૃક ગામ મરિમલ્લા ગયા હતા. મોડી સાંજે હથિયારબંધ નક્સલી તેમના ઘરે પહોંચ્યા અને તેમનું અપહરણ કર્યું હતું. બુધવારે સવારે સંતોષની લાશ સડક પર ફેંકી દીધી હતી. જો કે છેલ્લા અહેવાલ સુધીમાં પોલીસ અને પરિવારજનોને તેમની લાશ મળી શકી ન હતી, કારણ કે જે સ્થાન પર લાશ પડી હતી તે અંતરિયાળ નક્સલગ્રસ્ત વિસ્તાર છે.
લોકસભા ચૂંટણી પહેલા નવમી એપ્રિલે બસ્તરમાંથી એકમાત્ર ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીની નક્સલીઓએ હત્યા કરી દીધી હતી. શ્યામાગિરીમાં આઈઈડી વિસ્ફોટ કરીને મંડાવીના કાફલાને ઉડાવી દેવામાં આવ્યો હતો. હુમલામાં ચાર પોલીસકર્મીઓ શહીદ થઈ ગયા હતા.
