બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર નિર્દોષ છે કે પછી જામીન પર છે બહાર? સોશિયલ મીડિયા પર ચાલી ચર્ચા
ભારતીય જનતા પાર્ટીએ બુધવારે એલાન કર્યું કે લોકસભા ચૂંટણીમાં ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવશે. તેના પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ્સની આરોપીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો દાવો કરવા લાગ્યા કે, “સાધ્વી પ્રજ્ઞાને કોર્ટે નિર્દોષ ઠેરવી દીધી છે.” પરંતુ, હકીકતમાં સત્ય શું છે? ઓમર અબ્દુલ્લાએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માટે કહ્યું છે કે, “બીજેપીએ ભોપાલથી એવા ઉમેદવારને લડવા માટે ટિકિટ આપી છે જે આતંકી કેસમાં આરોપી હોવા ઉપરાંત હાલ સ્વાસ્થ્યને લઈને જામીન પર બહાર છે. જો તેનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે તે જેલમાં રહી શકે તેમ ન હોય તો પછી તે ચૂંટણી કેવી રીતે લડી શકે છે?”
સોશિયલ મીડિયા પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને નિર્દોષ દર્શાવતા ટ્વિટ્સ પર નજર નાખીએ તો અલગ-અલગ વાતો સામે આવે છે. કોઈક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે સાધ્વીને એનઆઇએ કોર્ટે છોડી મૂકી છે, કોઈએ લખ્યું છે કે તેમને હાઈકોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે, જ્યારે કેટલાક એવા ટ્વિટ્સ પણ જોવા મળ્યા જેમાં સુપ્રીમ કોર્ટમાં સાધ્વી નિર્દોષ છૂટ્યા હોવાની વાત છે. આ તમામ દાવાઓ નકલી છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2008માં માલેગાંવમાં થયેલા બ્લાસ્ટ્સમાં છ લોકોનાં મોત થઈ ગયાં હતાં અને 101 લોકો ઘાયલ થઈ ગયાં હતાં. આ ઘટનામાં એક મોટરસાયકલ પર વિસ્ફોટકો બાંધીને બ્લાસ્ટ્સ કરવામાં આવ્યા હતા.
જોઇએ સાધ્વી પ્રજ્ઞાની તરફેણ કરતા કેટલાંક ટ્વિટ્સ
ટ્વિટર યુઝર @manishkumar0301 એ લખ્યું, “સ્વરા ભાસ્કરને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા મેળવનાર અફઝલ નિર્દોષ લાગે છે અને નિર્દોષ છૂટનારી સાધ્વી પ્રજ્ઞા આતંકવાદી દેખાય છે. આ વિચારધારાને દેશદ્રોહી કેમ ન સમજવી જોઈએ?”
@RAKESHK02470357એ લખ્યું છે, “ખુલ્લેઆમ દેશદ્રોહની વાત કરનારા નેતાઓને પણ તમારે કંઇ કહેવું જોઈએ. સાધ્વી પ્રજ્ઞાજીને સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યાં છે તેમાં તમને શું વાંધો છે?”
@sukhlal_patidar એ લખ્યું- “સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આરોપી નથી. કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યાં છે. ખોટી વાતો પીરસવી એ તમારા કોંગ્રેસીઓના ખાનદાની સંસ્કાર છે. જનતા સારી રીતે જાણી ચૂકી છે.”
@RandeepFraziwalaએ લખ્યું, “સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા મેળવનારા અફઝલ ગુરૂ અને યાકુબ મેમણ જેવા કુખ્યાત મુસ્લિમ આતંકીઓની ફાંસીનો વિરોધ કરો છો, ત્યારે તે કઈ માનસિકતા હોય છે? જ્યારે સાધ્વી પ્રજ્ઞાને NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.”
@shivsinghsrinetએ લખ્યું કે કોર્ટમાંથી છૂટ્યા પછી પણ સાધ્વી પ્રજ્ઞા આરોપી છે, પરંતુ સોનિયા, રાહુલ, વાડ્રા, થરૂર, ચિદંબરમ, કમલનાથ વગેરેને મોદીએ ફસાવ્યા છે એટલે તેઓ જામીન પર ચાલી રહ્યા છે.
હકીકતમાં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ્સ મામલે કોઇપણ કોર્ટે સાધ્વી પ્રજ્ઞાને નિર્દોષ ઠેરવ્યા નથી. બ્લાસ્ટ્સના કેસમાં તેમને હાઈકોર્ટ પાસેથી જામીન મળેલા છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ નેતા પ્રશાંત ભૂષણે પીએમ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા લખ્યું, “મોદીની એનઆઇએ તરફથી પ્રજ્ઞા ઠાકુરને છોડી મૂકવાની તમામ કોશિશો છતાં કોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કરવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે માલેગાંવ ધમાકાઓના પ્લાનિંગ અને એક્ઝિક્યુશનમાં તેમના સામેલ હોવાના મહત્વના પુરાવાઓને ધ્યાનમાં રાખીને આમ કર્યું છે. તે છતાંપણ બીજેપીએ તેમને ઉમેદવાર બનાવી દીધા.”
માલેગાંવ ધમાકાઓ મામલે પહેલા મહારાષ્ટ્ર એટીએસે તપાસ કરી હતી. ત્યારબાદ તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ તમામા આરોપોને હટાવી લીધા, પરંતુ કોર્ટે એજન્સીના દાવાઓને માનવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત 6 લોકો વિરુદ્ધ આરોપો નક્કી કરી દીધા. ત્યારબાદ એપ્રિલ, 2017માં બોમ્બે હાઇકોર્ટ પાસેથી ઠાકુરને જામીન મળ્યા હતા.
2006માં થયેલા સુનીલ જોશી મર્ડર કેસમાં એનઆઇએએ પ્રજ્ઞા ઠાકુર સહિત 9 લોકોને 2015માં આરોપી બનાવ્યા હતા. એનઆઇએએ કહ્યું કે વ્યક્તિગત કારણોસર જોશીની હત્યા કરવામાં આવી. ત્યારબાદ કેસને દેવાસ કોર્ટમાં મોકલવામાં આવ્યો જેણે ફેબ્રુઆરી 2017માં તમામ આરોપીઓને છોડી મૂક્યા.
2007ના અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આરોપી હતી. આ કેસમાં બે આરોપીઓ દેવેન્દ્ર ગુપ્તા અને ભાવેશ પટેલને દોષી કરાર આપવામાં આવ્યો હતો, પરંતુ એનઆઇએએ સાધ્વી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો હતો.