બ્રિટનની રાજધાની લંડનમાં ગુરુવારે જાહેર કરવામાં આવેલા એશિયા યુનિવર્સિટી રેન્કિંગ-2019માં ભારતની 49 શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના વાર્ષિક રેન્કિંગમાં ભારતની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાઈન્સને 29મું સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે ભારતની 49 શૈક્ષણિક સંસ્થાઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. ગત વર્ષે ભારતની 42 શૈક્ષણિક સંસ્થાઓને આ યાદીમાં સામેલ કરવામાં આવી હતી.
2019ના રેન્કિંગમાં પહેલીવાર ચીનની શૈક્ષણિક સંસ્થા પહેલા સ્થાને છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરને પાછળ છોડીને ચીનની સિંગહુઆ યુનિવર્સિટી પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે.
રેન્કિંગ વિશ્લેષકોનું કહેવું છે કે વિભિન્ન સંસ્થાઓના રેન્કિંગમાં પરિવર્તન, કેટલાકની યાદીમાં સામેલ કરવા અને કેટલાકનું યાદીમાંથી બહાર જવું ભારતના રેન્કિંગમાં ફેરફારનું કારણ બન્યું છે. યાદીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાઈન્સ 29મા સ્થાને યથાવત છે, જ્યારે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ઈન્દૌર પહેલીવાર યાદીમાં સામેલ થયું છે અને તેને 50મું સ્થાન આપવામાં આવ્યું છે.
આ યાદીમાં ટોચના 100 શૈક્ષણિક સંસ્થાનોમાં ભારતની આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી રુડકીને સંયુક્તપણે 54મું, જેએસએસ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચને 62મું, આઈઆઈટી ખડપુરને 76મું, આઈઆઈટી કાનપુરને 82મું અને આઈઆઈટી દિલ્હીને 91મું સ્થાન આપવામાં આવ્યું છે.