મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધની શિવસેનાની માંગણી
મુંબઈઃ દેશમાં મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી શિવસેનાએ કેન્દ્ર સરકાર પાસે કરી છે. મસ્જિદોમાં લગાવેલા લાઉડ સ્પીકરને કારણે વધારે અવાજ પ્રદુષણ ફેલાતું હોવાથી મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતો વટહુકમ લાવવાની માંગણી શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મારફતે કરી છે.
શિવસેનાએ જણાવ્યું હતું કે, મસ્જિદોમાં લાગેલા સ્પીકરના કારણે જ ધ્વનિ પ્રદુષણ વધારે ફેલાય છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધ્વનિનું પ્રદુષણ સતત વધી રહ્યું છે. મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકરના કારણે જ દેશમાં પર્યાવરણ સંરક્ષણ અને ધ્વનિ પ્રદુષણની સમસ્યાઓ વધી છે. જેથી કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડીને તેની ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઈએ.
દરમિયાન મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કોલોની કે વિસ્તારનું નામ અને ઓખળ કોઈ જાતિના નામ પર હશે તો તેના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. સામાજિક અને ન્યાય વિભાગે રજૂ કરેલા પ્રસ્તાવને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રની કેબિનેટે મંજૂરી આપી હતી. આ નિર્ણય અનેક ગામ અને ઝૂંપડપટ્ટીઓને લાગુ થશે. જેથી મોટાભાગની રહેણાક કોરોનાની નામ બદલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી હિન્દુત્વના મુદ્દે શિવસેના ઉપર વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શિવસેનાએ મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગણી કરી છે. હાલ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકેરના વડપણ હેઠળ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર છે.