PMના શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા સાધ્વી પ્રજ્ઞા, અટલ સ્મારક પર શ્રદ્ધાંજલિમાં પણ ન થયા સામેલ
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટનો શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થયો. આ દરમિયાન ભાજપના મોટાભાગના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. ભોપાલથી ભાજપ સાંસદ તરીકે ચૂંટાયેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા. જોકે સાધ્વી પ્રજ્ઞા બુધવારે દિલ્હી પહોંચી ગયા હતા, પરંતુ શપથગ્રહણ સમારોહમાં ન પહોંચ્યા. શપથગ્રહણ સમારોહ પહેલા વડાપ્રધાન મોદી અને મોટાભાગના સાંસદો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પણ ગયા. સાધ્વી પ્રજ્ઞા આ કાર્યક્રમમાં પણ સામેલ ન થયા.
સાધ્વી પ્રજ્ઞા દિલ્હીમાં વસંતકુંજ સ્થિત મધ્યાંચલ ભવનમાં રોકાયા હતા અને શુક્રવારની સવારે ત્યાંથી ચાલ્યા ગયા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક લેખ પ્રમાણે, ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પાસે એક જ પાસ હતો, જેના કારણે તેઓ શપથગ્રહણ સમારોહમાં હિસ્સો ન લઈ શકી. હકીકતમાં તેમને પોતાના સહયોગીઓ માટે થોડા વધુ પાસ જોઈતા હતા. સાધ્વીના સહયોગીઓને પાસ ન મળ્યા એટલે તેઓ શપથગ્રહણ સમારોહમાં સામેલ ન થયા. સાધ્વી પ્રજ્ઞા લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. સાધ્વીના ઘણા નિવેદનોને લઇને વિવાદ થયો, જેનાથી ભાજપને પણ શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું.
ઉલ્લેખનીય છે કે 28મેના રોજ ગાઝિયાબાદના એએલટી કેન્દ્રમાં આયોજિત વીર સાવરકર જયંતીના પ્રસંગે સાધ્વી પ્રજ્ઞાએ એવી જાહેરાત કરી હતી કે, તેઓ પોતાનો પગાર જરૂરિયાતવાળા લોકોને દાન કરશે. તેની સાથે જ તેમણે એમ પણ એલાન કર્યું કે તેઓ પોતાનું જીવન અત્યાર સુધી ભિક્ષાટનને સહારે જીવી રહ્યા હતા અને આગળ પણ તેવી રીતે જ જીવશે.