J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે એક મીડિયા અહેવાલ પ્રકાશિત થયો છે.
મોદી સરકાર દ્વારા અનુચ્છેદ-370 હટાવાયા બાદ ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિ જેવા ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે એવા લોકોને પણ પકડયા છે કે જે ભૂતકાળમાં પથ્થરબાજીમાં સામેલ રહ્યા છે. આ પગલા એટલા માટે ઉઠાવવામાં આવ્યા છે કે જેથી કાશ્મીર ખીણમાં સ્થિતિ કાબુની બહાર જાય નહીં.
જો કે પ્રશાસન અને પોલીસ આ વાતને જાહેર કરી રહ્યા નથી કે કેટલા લોકોને કસ્ટડીમં રાખવામાં આવ્યા છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે સંખ્યા ઘણી વધારે છે અને તેના કારણે પ્રાઈવેટ પ્રોપર્ટીને અટકાયત કેન્દ્ર માટે હાયર કરવી પડી છે. તેમા ગેસ્ટ હાઉસ, નાની હોટલ અને રહેણાંક મિલ્કતોનો સમાવેશ થાય છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેથી કોઈપણ લોકોને ભડકાવી શકે નહીં અને સડકો પર અનુચ્છેદ-370 હટાવવાને લઈને વિરોધ પ્રદર્શન થાય નહીં.
અધિકારીઓએ કહ્યુ છે કે ગત કેટલાક દિવસોથી આતંકવાદીઓ પણ શાંત છે, કારણ કે સમગ્ર ધ્યાન કાયદો અને વ્યવસ્થા પર છે. જેથી પહેલાની જેમ સડકો પર વિરોધ પ્રદર્શનો ભડકે નહીં. એક પોલીસ અધિકારીએ કહ્યુ છે કે આતંકવાદીઓની ગતિવિધિ મોટાભાગે દક્ષિણ કાશ્મીરમાં દેખાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ મુનીર ખાને આના પહેલા કહ્યુ હતુ કે કેટલાક લોકોને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તેના દ્વારા ઘાટીમાં શંકાસ્પદોને વર્ષો સુધી જેલના સળિયા પાછળ રાખી શકાય છે. મુનીર ખાને કહ્યુ છે કે પેલેટ ગનના પ્રહારથી કેટલાક વિસ્તારોમાં પથ્થરબાજી પણ થઈ છે. એક પ્રેસ કોન્ફરન્સમાં મુનીર ખાને કહ્યુ છે કે કેટલાક પીએસએ કેસ નોંધાઈ ગયા છે. અમે ઈચ્છતા નથી કે કોઈના જીવ જાય.