રાજકોટમાં સફાઈ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ, 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવતા 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં સફાઈ કર્મચારીઓમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન પ્રથમ દિવસે 45 અને બીજા દિવસે 23 એમ કુલ 68 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હજુ બે દિવસ સફાઇ કર્મચારીઓનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેથી વધુ સફાઇ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. મનપા દ્વારા કોરોના પોઝિટિવ સફાઈ કર્મચારીને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ રિપોર્ટ કરવાની કવાયત તેજ બનાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંકડો 2279 પર પહોંચ્યો છે. 2279 પૈકી 1036 દર્દીઓ હાલ રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે કે અત્યાર સુધી કુલ 53 દર્દીના મૃત્યુ થયા છે.