ગુજરાત સરકારને રાહત, સુપ્રીમકોર્ટે માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે ફરમાવ્યો મનાઈહુકમ
અમદાવાદઃ ગુજરાતમાં માસ્ક નહીં પહેનાર વ્યક્તિઓ પાસે કોવિડ કેસ સેન્ટરમાં સેવા કરાવવાના હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું. કોર્ટે કહ્યું હતું કે, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. સુપ્રીમ કોર્ટે માસ્ક ન પહેરતા લોકો સામે ગંભીરતાપૂર્વક કામગીરી કરવા સરકારને ટકોર કરી છે. તેમજ એસઓપીનું પાલન ચુસ્તપણે કરવા નિર્દેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં માસ્ક નહીં પહેનારને કોવિડ સેન્ટર સેવા માટે મોકલી આપવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. જેની સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેમજ આ અંગે આજે જ સુનાવણી હાથ ધરવા માટે વિનંતી કરવામાં આવી હતી. સરકારની અપીલ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલે રજૂઆત કરી હતી કે, લોકો માસ્ક નથી પહેરતા એ વાત સાચી, પણ હાઈકોર્ટના આદેશને લાગુ કરવો શક્ય નથી. માસ્ક ન પહેરવાથી જે જોખમ છે તેના કરતાં વધુ જોખમ કોવિડ કેર સેન્ટરમાં કામ કરવાથી છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અણીયારો સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. એટલે જ હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો હતો. લગ્ન પ્રસંગ, મેળાવડામાં હજારો લોકો ભેગા થઈ રહ્યા છે, SOP નું પાલન ક્યાં થઈ રહ્યું છે.