- NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની લેશે તાલીમ
- NIMCJએ ઇ-લર્નિંગ પ્રોગ્રામ સંદર્ભે ASCI સાથે કર્યા એમઓયુ
- વિદ્યાર્થીઓને જાહેરખબર નિર્માણ-માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ અપાશે
અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ). એ એડવર્ડટાઇઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) સાથે જાહેરખબર નિર્માણ અને માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ આપતા ઇ-લર્નિંગ પ્રોગ્રામના સંદર્ભે એમઓયુ કર્યા છે. એન.આઇ.એમ.સી.જે ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા છે અને ASCI એ જાહેરખબર ઉદ્યોગની એક સ્વાયત નિમંત્રણ સંસ્થા છે.
આ ઇ-લર્નિંગ પ્રોગ્રામમાં ASCIના જાહેરખબર નિષ્ણાતો દ્વારા પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને જાહેરખબરોમાં નૈતિકતાના ધોરણો પર વિશેષ ભાર મુકવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર જારી કરવામાં આવશે.
આ અંગે વિશેષ વિગતો આપતા એન.આઇ.એમ.સી.જેના નિયામક ડૉ. શિરીષ કાશીકર અને પ્રોગ્રામ કો.ઓડીનેટર ડૉ.શશીકાંત ભગતે જણાવ્યું હતું કે, “ગુજરાત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોનું હબ છે. બધા જ ઉદ્યોગ ધંધાઓને પોતાના ઉત્પાદનો, બ્રાંડ અને સેવાઓનો નૈતિકતાના ધોરણોનું પાલન કરીને જાહેરખબર કરવાનો અધિકાર છે. ગુજરાતમાં જાહેરખબર ક્ષેત્રના વિકાસની ગતિને જોતા આ અભ્યાસક્રમ સમયની માંગ છે.”
ASCIના સેક્રેટરી જનરલ શ્વેતા પુરંદરેએ જણાવ્યું હતું કે, “ગુજરાતની આ પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા સાથે જોડાણ કરવામાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ. શિક્ષણ, કૌશલ્યવર્ધન અને જાહેરખબર ક્ષેત્રોમાં કામ કરતા આશાસ્પદ વ્યવસાયિકોને પ્રોત્સાહન આપવું એ ASCIનું મુખ્ય કાર્ય છે. અને તે સંદર્ભે આ ઇ-લર્નિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. નવા સમયમાં જાહેરખબર ઉદ્યોગને નવી કૌશલ્યવર્ધિત પ્રતિભાઓની વધુ જરૂરીયાત રહેશે, અમે આ જોડાણ થકી એ પૂરી કરવા પ્રયત્ન કરીશું.”
(સંકેત મહેતા)