– અમદાવાદીઓ માટે સારા સમાચાર
– આજથી કાંકરિયા ખુલ્લુ મુકવામાં આવશે
– જો કે કેટલાક આકર્ષણો હજુ પણ બંધ રહેશે
અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે દરેક પર્યટન સ્થળો અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદનું પ્રખ્યાત ફરવાનું સ્થળ કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે હવે અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. આજથી એટલે કે 1લી ઓક્ટોબરથી અમદાવાદનું હૃદયસમુ કાકંરિયા મુલાકાતીઓ માટે ખુલવાનું છે. આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડન સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે ખુલ્લી મુકાશે. જો કે લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટને હાલમાં ચાલુ કરવાનું અનુમતિ આપવામાં આવી નથી.
જો કે કાંકરિયામાં મુલાકાત લેતા પહેલા મુલાકાતીઓએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. અહીં આવનાર તમામ મુલાકાતીઓએ ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. જો કોઇએ માસ્ક નહીં પહેર્યું હોય તો તેઓને માસ્ક વગર પ્રવેશની મંજૂરી નહીં અપાય. સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે કાંકરિયામાં કામ કરતા સ્ટાફનાં પણ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
હાલમાં કાંકરિયામાં પ્રવેશ માત્ર 1, 3 અને 4 નંબરના પ્રવેશદ્વારથી જ મળશે. 1000 મુલાકાતીઓ જ એક તબક્કામાં પ્રવેશ અપાશે. જે પૈકી જેટલા મુલાકાતીઓ બહાર નીકળશે તેટલા બીજા મુલાકાતીઓને પ્રવેશ અપાશે. જો કે કિડ્ઝ ઝોન સહિતના અન્ય તમામ આકર્ષણો પણ હજુ બંધ જ રહેશે.
આ તકેદારી રાખવામાં આવશે
અંદર પ્રવેશ પહેલા તમામ મુલાકાતીઓનું ટેમ્પેરચર માપવામાં આવશે, હાથ સેનિટાઇઝ કરાશે. માસ્ક પહેરેલું હશે તો જ પ્રવેશ અપાશે. મુલાકાતીઓએ પોતાનો નાસ્તો અને પાણીની બોટલ પણ ઘરેથી જ સાથે લાવવી પડશે. કાંકરિયામાં કોઇ વસ્તુનું વેચાણ થઇ શકશે નહીં.
કાંકરિયામાં મોર્નિંગ વોક કરવા માટે છૂટ આપવામાં આવી છે જો કે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને કસરત કરવાની કે બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેમણે માસ્ક ફરજીયાત પહેરવો પડશે અને થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(સંકેત)