અનલોક-3 દરમિયાન યુનિવર્સિટી અને કોલેજોમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા GUSS ની રાજ્ય સરકારને ફરી અપીલ
– રાજ્ય સરકાર દ્વારા વર્ક ફ્રોમ હોમ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
– ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘની યુનિવર્સિટી/કોલેજોમાં વર્ક ફ્રોમ હોમ લંબાવવા અપીલ
– GUSS દ્વારા રાજ્ય સરકારને ફરી અપીલ કરાઈ
રાજ્યમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયએ જાહેર કરેલી ગાઈડલાઇન્સમાં દેશભરમાં શાળા-કોલેજો બંધ રાખીને ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્પષ્ટ દિશા નિર્દેશો આપેલા છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ૩૧ જુલાઈના રોજ જાહેર કરાયેલી અનલોક-3ની ગાઈડલાઇન્સમાં યુનિવર્સિટી તેમજ કોલેજો માટે વર્ક ફ્રોમ હોમ અંગેની કોઈ સ્પષ્ટ જાહેરાત કરાઈ નથી.
રાજ્ય સરકાર દ્વારા વર્ક ફ્રોમ હોમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ અવઢવમાં અને મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓની સમસ્યાના નિવારણ અને યુનિવર્સિટી તેમજ કોલેજોમાં ઓનલાઇન ટીચિંગ માટે વર્ક ફ્રોમ હોમ ૩૧ ઓગસ્ટ સુધી લંબાવાય તેવી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે રાજ્ય સરકારને અપીલ કરી છે.
ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા મુજબ અત્યારે મોટાભાગની યુનિવર્સિટી અને કોલેજોમાં ઓનલાઇન ટીચિંગ સંતોષજનક રીતે ચાલી રહ્યું છે. જેનું દૈનિક રિપોર્ટિંગ પણ આચાર્યો દ્વારા વિભાગને થઈ રહ્યું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકામાં વર્ક ફ્રોમ હોમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે કેટલીક કોલેજોએ વર્ક ફ્રોમ હોમની છૂટ આપી છે, પરંતુ કેટલીક કોલેજો ઓનલાઈન ક્લાસ લેવા માટે અધ્યાપકને ફરજિયાતપણે કોલેજ બોલાવે છે જે અતાર્કિક છે.
તે ઉપરાંત અધ્યાપકોને કોલેજમાં આવીને ઓનલાઇન ટીચિંગ માટે ફરજ પાડવામાં આવે છે ત્યારે અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. ઘણી સંસ્થાઓમાં એક જ વાઇફાઇ હોવાને કારણે ઇન્ટરનેટની ઓછી બેન્ડવિથના પ્રશ્નો ઉદ્ભવે છે. જેનાથી ઓનલાઇન શિક્ષણમાં વિક્ષેપ આવે છે. તે ઉપરાંત રાજ્યની ઘણી યુનિવર્સિટી તથા કોલેજોમાં કર્મચારીઓ કે તેમના પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત હોવાને કારણે કર્મચારીઓને સંસ્થામાં બોલાવવાથી સામાજિક દુરી અને સંક્રમણની સમસ્યા પણ સર્જાઈ રહી છે.
આ બધી સમસ્યાઓના નિવારણ માટે વર્ક ફ્રોમ હોમ 31 ઓગસ્ટ સુધી લંબાવાય તેવી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે રાજ્ય સરકારને અપીલ કરી છે. તે ઉપરાંત યુનિવર્સિટી તથા કોલેજોની પ્રવેશ પરીક્ષાની કામગીરી દરમિયાન અધ્યાપકો હાજર રહેશે તેવી પણ ખાતરી અપાય છે.
સંકેત-