- રાજ્યના કુલ 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની ભેટ
- રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ-પેન્શરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની કરી જાહેરાત
- 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવાશે
ગુજરાત સરકારે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની જાહેરાત કરી છે. 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવાશે. તે ઉપરાંત રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને રૂ.3500ની મર્યાદામાં બોનસ આપવાનો નિર્ણય લીધો છે. જેનો લાભ રાજ્ય સરકાર, પંચાયત, યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોલેજ-બિનસરકારી શાળા કોલેજના કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થઆના વર્ગ-4ના કુલ 30960 કર્મીઓને મળશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજ્ય સરકારના 9 લાખથી વધુ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પેન્શનરોને તા.1.07.2019 થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020 થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલું છે. 1 જુલાઇ 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ 6 માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવાની થતી હતી.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે “સીએમ વિજય રૂપાણી સાથે ચર્ચ વિચારણા કર્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓ, પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકાર સરકાર-પંચાયત તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાના કર્મીઓને ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ દિવાળીના તહેવારો પહેલા ચૂકવવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.”
આ નિર્ણયથી રાજ્ય સરકારની તીજોરી પર રૂ.464 કરોડનો બોજો પડશે.
તે ઉપરાંત દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને રૂ.3500ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. વર્ગ-4ના કુલ 30,960 કર્મચારીઓને આ લાભ મળશે.
(સંકેત)