- સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનું વ્યાપકપણે સંક્રમણ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- શહેરમાં 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે
સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની મહામારી યથાવત્ છે. અમદાવાદમાં પણ સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોરોનાને કાબૂમાં લેવા માટે તમામ રીતે પ્રયાસરત છે. આ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AMC અનુસાર હવે અમદાવાદ શહેરમાં 30થી વધુ કર્મચારીઓ ધરાવતી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવી પડશે. આ કોવિડ કો-ઓર્ડીનેટર ઓફિસમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
- ઓફિસમાં કોરોનાને ફેલાતો અટકાવવા તમામ પગલાંઓ લેવામાં આવે છે તેનો 15 દિવસે રિપોર્ટ ઝોન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે
- ઓફિસમાં કોઈ કર્મચારીને પોઝિટિવ આવે તો તેના 14 દિવસના કોન્ટેક ટ્રેસિંગ સંબંધિત વિગતો 48 કલાકમાં ઝોન ઓફિસમાં પુરી પાડવાની રહેશે
- કોઈ કર્મચારી પોઝિટિવ આવે તો ઝોન ઓફિસને જાણ કરવાની રહેશે
- ઓફિસમાં કોઈને કોરોનાનાં લક્ષણ જેવા કે શરદી- ઉધરસ કે તાવ હોય તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઇ ટેસ્ટ કરાવવાનો રહેશે
- ઓફિસમાં SOPનું પાલન કરાવી, માસ્ક પહેરી, થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક
- કરી અને સેનેટાઇઝરથી હાથ ધોઈ અને પ્રવેશ આપવાનો રહેશે
- સોશિયલ ડિસ્ટનસના પાલન અને SOPના પાલનની જવાબદારી કો-ઓર્ડીનેટરની રહેશે. 30થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થામાં માલિકની જવાબદારી રહેશે
- શહેરના તમામ મોટી ઓફિસોમાં (30થી વધુ કર્મચારીઓ હોય) કોવિડ કો- ઓર્ડીનેટર નિમવાનો રહેશે. જેની જાણ AMCના ઝોનના અધિકારીને કરવાની રહેશે
અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકડા પર નજર કરીએ તો છેલ્લા સપ્તાહમાં કોરોનાના દૈનિક ધોરણે 160ની અંદર કેસ નોંધાતા રહ્યા છે. જો કે ગુરુવારે 13 ઑગસ્ટના રોજ આ આંક 161ને વટાવી ગયા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 28,517 કેસ અને 1,648 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 23,273 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
નોંધનીય છે કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કોરોના વાયરસને નાથવા માટે રશિયાએ કોરોના વેક્સીન લોન્ચ કરી છે. આ સિવાય અન્ય દેશો પણ કોરોના વેક્સીન પર કામ કરી રહ્યા છે. કોરોના વેક્સીન જલ્દી માર્કેટમાં આવે અને કોરોના સંક્રમિત દર્દીઓની જલ્દી સારવાર થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે.
(સંકેત)