1. Home
  2. revoinews
  3. ‘પદ્મશ્રી’ અને ‘વિદ્યાવાચસ્પતિ’ ના સન્માનથી વિભૂષિત ગુજરાતી-સંસ્કૃત ભાષાના પંડિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ, વાંચો તેમના જીવન વિશે
‘પદ્મશ્રી’ અને ‘વિદ્યાવાચસ્પતિ’ ના સન્માનથી વિભૂષિત ગુજરાતી-સંસ્કૃત ભાષાના પંડિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ, વાંચો તેમના જીવન વિશે

‘પદ્મશ્રી’ અને ‘વિદ્યાવાચસ્પતિ’ ના સન્માનથી વિભૂષિત ગુજરાતી-સંસ્કૃત ભાષાના પંડિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ, વાંચો તેમના જીવન વિશે

0
Social Share
સંકેત.મહેતા
  • આજે ‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’ જેવા સન્માનથી વિભૂષિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ
  • સંશોધક-સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેનું તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે
  • 240 જેટલા પુસ્તકો અને 1500થી વધુ લેખના લેખક
  • વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પણ રહી ચૂક્યા છે
  • વાંચો એમના જીવન અને કારકિર્દીના રસપ્રદ પાસાઓ વિશે

‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’, ‘મહામહિમોપાધ્યાય’, ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવિભૂષણ’ જેવા અનેક માન-સન્માનથી વિભૂષિત ગુજરાતી તેમજ ‘કે.કા.શાસ્ત્રી’ કે ‘શાસ્ત્રીજી’ના હુલામણા નામે દેશભરમાં જાણીતા કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા)ની આજે એટલે કે 28 જુલાઇના રોજ જન્મ જયંતિ છે. તેઓ દાયકાઓ સુધી સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે ત્યારે આજે તેમની જન્મ જયંતિ પર તેમના વિશે વાંચીએ.

તેમના જીવન પર એક નજર

કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ જૂનાગઢ જીલ્લાના માંગરોળ હાલનું પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના પસવારી ગામે (સોરઠ) ખાતે વર્ષ 1905ની 28મી જુલાઇના રોજ થયેલો. તેઓએ મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત અને ‘ડોક્ટરેટ’ માટેના માન્ય ગાઇડ પણ હતા.

તેમની સર્જનયાત્રા

બહુશ્રુત વિદ્વાન એવા સ્વ.શ્રી કે.કા.શાસ્ત્રીજીની સર્જનયાત્રા તેમના દીર્ઘાયુ જેટલી માતબર અને અમૂલ્ય રહી છે. સંશોધક-સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવનાર સ્વ.કે.કા.શાસ્ત્રીજી પાસેથી અંદાજે 240 જેટલા પુસ્તકો અને 1500થી વધુ લેખ મળે છે.

તેમની કારકિર્દી

  • પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળમાં
  • 1922 માં મેટ્રિક. દરમિયાન પિતાજી પાસે વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું અધ્યયન
  • 1925 થી કૉરોનેશન હાઈસ્કૂલ, માંગરોળમાં ગુજરાતી-સંસ્કૃતના શિક્ષક
  • 1937માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે નિમણૂંક
  • 1944માં મુંબઈ યુનિવર્સિટી તરફથી ગુજરાતીમાં અનુસ્નાતક અધ્યાપન માટેની માન્યતા
  • 1946થી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં અધ્યાપક-સંશોધકની કામગીરી સંભાળી
  • 1958થી ૧૯૬૧ દરમિયાન લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સંશોધનકાર્ય
  • 1955થી ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક અને પીએચડી.ના માર્ગદર્શક
  • 1961થી ગુજરાત સંશોધન મંડળની અમદાવાદ શાખાના માનાર્હ નિયામક
  • ‘અનુગ્રહ’ તેમ જ ‘પ્રજાબંધુ’ના તંત્રી
  • ગુજરાત સાહિત્યસભાના મંત્રી અને ઉપપ્રમુખ
  • 1952નો રણજિતરામ સુવર્ણચંદ્રક
  • 1966માં ‘વિદ્યાવાચસ્પતિ’ની સંમાનનીય પદવી
  • 1976માં પદ્મશ્રીનો ખિતાબ. ૧૯૭૭માં ‘મહામહિમોપાધ્યાય’ની માનદ પદવી
  • 1986માં પૂનામાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ

તેમની મુખ્ય રચનાઓ અને કૃતિઓ

  • ભાષાશાસ્ત્ર અને વ્યાકરણ- અક્ષર અને શબ્દ, ગુજરાતી ક્રમિક વ્યાકરણ, અનુશીલન, ગુજરાતી ભાષાલેખન, ગુજરાતી વાગવિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી ભાષાશાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ભાષા અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ, વાગવિભવ
  • કોશ – ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, બૃહદગુજરાતી કોશ ખંડ
  • ઇતિહાસ – ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, અસાંજો કચ્છ, અતીતને આરે
  • સંપાદન – ગોપાલદાસકૃત વલ્લભાખ્યાન, મહાભારત પદબંધ, રત્નેશ્વરકૃત ભાગવત સ્કંધ ૧,૨; ભીમકૃત પ્રબોધપ્રકાશ, દયારામકૃત ભક્તિપોષણ, હારસમેનાં પદ અને હારમાળા, શ્રીમહાપ્રભુસ્તુતિમુક્તાવલિ, શ્રીકૃષ્ણસ્તવનાવલિ, બ્રહ્મવાદપ્રવેશિકા, નરસિંહ મહેતાકૃત રાસ સહસ્ત્ર પદી, અસાઇત કૃત હંસાઉલિ, દલપત કાવ્ય, પ્રેમાનન્દ કૃત મામેરું
  • નાટક – અજેય ગૌરી શંકર અને બીજી એકાંકીઓ, ખનદાન લોહી
  • ચરિત્ર – આપણા કવિઓ, આપણા સારસ્વતો
  • સામ્પ્રદાયિક – વૈષ્ણવ બાલ પાઠાવલિ, પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર, નારદ અને શાંડિલ્યનાં ભક્તિ સૂત્રો, ભગવદ ગીતા – તાત્વિક અભ્યાસ, વેદ ચિંતામણિ
  • સંસ્કૃત – સૌંદર્ય પદ્યમ, નવરત્ન સ્તોત્રમ્, અમરકોશ, વનૌષધિ કોશ, સિધ્ધાંત રહસ્યમ્
  • અનુવાદ – પ્રેમની પ્રસાદી, સંક્ષિપ્ત ભરત નાટ્ય શાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કાલિદાસનાં નાટકો, ષોડશ ગ્રંથ, ભાસ નાટક ચક્ર
  • અંગ્રેજી – Structural build up of a Thesis

લેખન પ્રવૃત્તિનો આરંભ

જો તેમની લેખન પ્રવૃત્તિના આરંભ વિશે વાત કરીએ તો તે સંસ્કૃત ગ્રંથોના સંપાદન અને અનુવાદથી થયો. પરંતુ એમનું વિશેષ સત્ત્વ જૂના ગુજરાતી ગ્રંથોના સંપાદન અને ગુજરાતી હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી કવિઓને લગતી માહિતીના સંકલનમાં વિકસ્યું. એમણે ગુજરાતી ભાષા, વ્યાકરણ અને કોશના સંદર્ભમાં પણ વિશેષ યોગદાન આપ્યું છે.

સન્માન અને ઉપલબ્ધિઓ

  –   વર્ષ 1952 – રણજિતરામ સુવર્ણચંદ્રક
   –  વર્ષ 1966 – અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી વિદ્યાવાચસ્પતિ ની પદવી
   –  વર્ષ 1966 – ભારતી પરિષદ, પ્રયાગ તરફથી મહામહિમોપાધ્યાય ની પદવી
   –  વર્ષ 1976 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી

240 પુસ્તકો અને 1500 લેખના લેખક

તેમણે તેમની સાહિત્યીક કારકિર્દી દરમિયાન કુલ 240 જેટલા પુસ્તકો અને 1500 લેખ લખ્યા છે. તેની સાથોસાથ 19 વિદ્યાર્થીઓને પી.એચ.ડી માટે પણ માર્ગદર્શન આપ્યું છે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પણ રહી ચૂક્યા છે.

મહત્વનું છે કે, બ્રહ્મર્ષિ અને વિધાવાચસ્પતિ જેવા ઉપમાનથી ઓળખાતા અને પાંડિત્યની પરાકાષ્ટાએ પહોંચેલા ગુજરાતી તથા સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત સ્વ. શ્રી કે.કા,શાસ્ત્રીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ 101 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા હતા.  સંશોધક-સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા તેમજ અનુવાદક કે.કા.શાસ્ત્રીનું સાહિત્યમાં અમૂલ્ય યોગદાન અનેક પેઢીઓ સુધી યાદગાર રહેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code